૧૫મી ઓગસ્ટ સુધી કચ્છમાં વરસાદ ન થાય તો અછત જાહેર કરો

અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘ દ્વારા માંગ : બે રૂપિયે કિલો રાહતદરે ફાળવતું ઘાસ ૩૧મી જૂલાઈથી બંધ

 

જામનગરથી ૧૪ લાખ કિલો ઘાસની આવક થશે શરૂ
ભુજ : કચ્છમાં અત્યાર સુધી ૪૯ ઘાસડેપો શરૂ કરાયા છે જયારે અંજાર તાલુકામાં ૧૩ ઘાસડેપો મંજુરી હેઠળ છે, ત્યારે આ ઘાસડેપોમાં ઘાસ પહોંચતું કરવા જામનથરથી ૧૪ લાખ કિલો ઘાસની આવક શરૂ કરવામાં આવશે. કચ્છમાં રાપર, અબડાસા, લખપત અને નખત્રાણા અને માંડવીમાં ૪ – ૪ ઘાસડેપો છે. મુંદરા અને ભચાઉમાં ૬-૬ તેમજ ભુજમાં ૧૭ ઘાસડેપો કાર્યરત છે, જેમાં ૬૩,૦૧૮ જેટલા ઘાસકાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા છે. ઘાસડેપો પરથી એક ઘાસકાર્ડમાંથી પાંચ જ પશુઓને ઘાસ ફાળવાય છે અને પ્રત્યેક પશુદીઠ દૈનિક ૪ કિલો ઘાસ જ મળે છે ત્યારે વધુ પશુ ધરાવનાર પશુપાલકોની સ્થિતિ કફોડી બની છે, ત્યારે આ નિયમોમાં ફેરફાર કરાય તેવી માંગ પણ પશુપાલકો દ્વારા કરાઈ રહી છે.

 

 

 

ભુજ : કચ્છમાં ગતવર્ષે સરેરાશ કરતા ઓછો વરસાદ પડ્યો હતો. જ્યારે આ વર્ષે હજુ વરસાદ થયો નથી.ત્યારે અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવાસંઘ દ્વારા જો ૧૫મી ઓગસ્ટ સુધી કચ્છમાં વરસાદ ન થાય તો અછત જાહેર કરવા માંગ ઉઠી છે. સાથે ગૌશાળાઓને રાહતદરે અપાતું ૨ રૂપિયે કિલ્લો ઘાસ ફાળવવા આવે તેવી માંગ આવેદનપત્ર પાઠવીને કરાઈ છે.
અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘે કલેકટર સહિત મુખ્યમંત્રી સુધી પાઠવેલા આવેદનપત્રમાં કચ્છની વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર આપ્યો છે. જેમાં કચ્છ જિલ્લામા વરસાદ ખેંચાતા પાણી અને ઘાસચારાની કટોકટી સર્જાઈ છે. સરકારે રાહતદરે ઘાસ આપવા ત્રણ માસ તો હેમખેેમ વીતી ગયાં. પણ હવે પાંજરાપોળ અને સીમાડાઓમાં ઘાસનું તણખલું નથી. કચ્છ ઉપરાંત તેની આસપાસના આવેલા જિલ્લાઓમાં પણ વરસાદ નથી. ત્યારે દક્ષિણ ગુજરાતમાં અમુક જિલ્લાઓમાંથી માત્ર લીલો ચારો મળે છે. તે પણ ૮થી૯ રૂપિયે કિલ્લોના ભાવે લીલોચારો મળે છે. જે કચ્છ સુધી પહોચતા ૨૦ કલાક જેટલો સમય નીકળી જાય છે અને લીલો ચારો ટ્રકની અંદર જ બફાઈ જાય છે જે પશુઓને ખવડાવાથી ફુડપોઈઝન થવાની શકયતા છે. ત્યારે દરરોજ ગાયોને ખવડાવું શુ તેવી ચિંતા ગૌશાળા અને પાંજરાપોળોને થયા કરે છે તો સરકાર દ્વારા ૨ રૂપિયે કિલ્લા અપાતું ઘાસ ૩૧મી જૂલાઈથી બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે તાત્કાલિક ધોરણે ગૌશાળાઓને આપવામાં આવતું ધાસ ફાળવાય તેવી માંગણી સંઘ દ્વારા કરાઈ હતી. હાલ સુકો ચારો રાજસ્થાન,મહારાષ્ટ-મધ્યપ્રદેશ માંથી મંગાવો પડે છે. જેની પડતર ૧૫થી૧૬ રૂપિયે પ્રતિ કિલ્લો થઈ જાય છે. જે ગોશાળાઓને પોસાય તેમ નથી. માટે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવાય તેવી માંગ ઉઠી છે. આ રજૂઆત વેળાએ ભરતભાઈ સોંદરવા, દયારામ દાદા, મહંત પાબુદાદા, અનિલભાઈ, કૈલાશભાઈ ગોસ્વામી સહિતના ગૌપ્રેમીઓ જોડાયા હતાં.