૧૪મી સપ્ટેમ્બર : વિશ્વ પ્રાથમિક ઉપચાર દિવસ ઃ દરેક ઘરમાં ફર્સ્ટ એડ બોક્સ હોવું જરૂરી

અદાણી મેડિકલ કોલેજના પ્રોફેસર અને તબીબોએ પ્રાથમિક ઉપચાર અંગે આપી માહિતી

ભુજ : કોઈ એકાએક બીમાર પડી જાય અથવા ઇજાગ્રસ્ત થઈ જાય તો તાત્કાલિક પ્રાથમિક ઉપચાર થઈ શકે અને પછી તબીબનો સંપર્ક કરી સારવાર લે એ માટે દર વર્ષે ઇ.સ. ૨૦૦૦થી ૧૪મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ પ્રાથમિક ઉપચાર દિવસ મનાવવામાં આવે છે. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડક્રોસ એન્ડ રેડ ક્રિસેન્ટ સોસાયટી દ્વારા આ દિવસ મનાવવામાં આવે છે. અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના તબીબો અને ભુજ મેડિકલ કોલેજના પ્રાધ્યાપકોએ કહ્યું કે, પ્રાથમિક સારવારનો મતલબ એ છે કે, નાનીમોટી ઈજજા વિગેરે માટે તબીબી સારવાર મળે તે પહેલા અપાતી ચિકિત્સા છે. ‘ઓન્લી માય હેલ્થ’ના રિપોર્ટ મુજબ ફર્સ્ટ એડ બોક્સ દરેકે પોતાના ઘરમાં તથા પ્રવાસમાં સાથે રાખવું જાેઈએ. જેમાં ઈજજાના ભાગને ધોવા માટે ડેટોલ, કપાસ, બેંડેડ ઉપરાંત નાની કાતર, મેડિકલ પ્રુવ્ડ ક્રીમ, હેન્ડ સેનિટાઇઝર, થરમૉમિટર અને દવા પણ હોવી જાેઈએ. એસપ્રિનની ટેબલેટ રાખવી જેથી હાર્ટ એટેક વખતે તાત્કાલિક આપી શકાય. તેમજ હોસ્પિટલના ઈમરજન્સી ફોનનંબર પણ હાથવગા રાખવા જાેઈએ. જુદી જુદી પ્રાથમિક ચિકિત્સા અંગે માર્ગદર્શન આપતા તબીબોએ કહ્યું કે, સાપ કરડે તો એ સ્થાને સાબુ લગાવી વધુને વધુ પાણીથી ધોવું અને બર્ફ પેક લગાવવું જેથી ઝેર ન ફેલાય અને તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક સાધવો. અસ્થિભંગના કિસ્સામાં એ જગ્યા ઉપર પાટો બાંધી તેને સ્થિર રાખવાનો પ્રયત્ન કરવો. એ જ પ્રમાણે મોચમાં પણ સખત પટ્ટી બાંધવી જરૂરી છે. જાે રક્તસ્ત્રાવ થાય તો ઘાવની આસપાસના સ્થાનને જીવાણુમુક્ત દવાથી સાફ કરી રૂ સાથે પટ્ટી બાંધવી. શ્વાસ રૂંધાવવાની ઘટના વખતે કૃત્રિમ શ્વાસ આપવો. ડૂબતા માણસને બચાવેલો હોય તો ફેફસાને પેટમાથી પાણી કાઢવા તેને ઊંધો સુવડાવી પીઠ ઉપર દબાણ આપી પાણી બહાર કાઢવું. જાે વીજશોક લાગ્યો હોય તો તુરંત વીજ કનેક્શન કાપી કૃત્રિમ શ્વાસ આપવો, પરંતુ આ તમામ કિસ્સામાં તાત્કાલિક તબીબનો સંપર્ક સાધવો જરૂરી બને છે અને એ પણ નોંધવું જાેઈએ કે તબીબી સારવાર પ્રાપ્ત થાય એ સાથે જ પ્રાથમિક ઉપચારની ગતિવિધિ સમાપ્ત થઈ જાય છે.