૧૦ જુલાઈથી એલએલડીસી ક્રાફટ મ્યુઝિયમ પ્રવાસીઓ માટે ફરી રાબેતા મુજબ શરૂ થશે

ભુજ : શ્રુજન સંચાલિત અજરખપુર, ભૂજ ખાતે આવેલ કાફટ મ્યુઝિયમ ‘લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઈન સેન્ટર’ તાજેતરમાં કોરોના મહામારીને લીધે સર્જાયેલ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અગમચેતી અને સલામતિના ભાગરૂપે પ્રવાસીઓ માટે સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યો હતો. હવે પરિસ્થિતિ મહદઅંશે નિયંત્રણ હેઠળ આવતાં ફરીથી તા. ૧૦ જુલાઈને શનિવારથી મ્યુઝિયમ પ્રવાસીઓ માટે રાબેતા મુજબ સવારે ૧૦ થી સાંજે ૫.૩૦ સુધી ખૂલ્લંુ રહેશે.

લિવીંગ એમ્બ્રોઈડરી ઓફ કચ્છ’ ના નામે હાલમાં મુખ્ય ગેલેરીનું ભવ્ય પ્રદર્શન ચાલુમાં છે. સેન્ટ્રલ એશીયા, સિંધ-પાકિસ્તાન, અરબસ્તાન, ઈરાન-ઈરાક વગેરેથી સમયાંતરે સ્થળાંતર પામી કચ્છના વિવિધ ઘાસિયા મેદાનોમાં આવીને વસેલી માલધારી સંલગ્ન જાતિઓનું વિવિધ શૈલીઓનું ભરતકામ કાબિલેતારીફ છે. જેના પર વર્ષોથી ઉડાણપૂર્વક રીસર્ચ કર્યા બાદ તેને અહીં વિવિધ સ્વરૂપે પ્રદર્શિત કરાયા છે. આ વિવિધ પ્રદર્શનો પૈકી ફરી નવું પ્રદર્શન ‘તનછોઈ’ (હાથ વણાટકામ ની એક અનેરી શૈલી) ના નવા સ્વરૂપ સાથે ઈન્સ્પીરેશન ગેલેરી (પ્રેરણા ગેલેરી) પણ આવતાં અઠવાડીયે શરૂ થઈ જશે.