૧૦૦૦ રૂપિયાની રાશનકીટ આપવા કચ્છના દુગર્મ વિસ્તારોમાંથી સગર્ભા મહિલાઓને રૂબરૂ બોલાવવું કેટલી હદે યોગ્ય ?

એચઆઈવીથી સંક્રમિત મહિલાઓને દૂર-દૂરથી ભુજ બોલાવી ફેમિલી પ્લાનીંગ કાર્યક્રમના તાયફા કરી ફોટોસેશન યોજવાની શી જરૂર ? જો તંત્રને મદદ જ કરવી હોય તો એચઆઈવી સંક્રમિત સગર્ભા મહિલાઓને ઘરે ઘરે જઈ રાશનકીટ આપી ફેમિલી પ્લાનીંગ અંગે પણ આપી શકે છે સમજણ : સરકારી નિયમ મુજબ એચઆઈવી પીડિત વ્યક્તિઓને જાહેરમાં બોલાવવા કે ફોટોસેશનની પણ મનાઈ છે છતાં સરકારી તંત્ર આવા નિયમ ધોળીને પી જાય છે

(બ્યુરો દ્વારા)ભુજ : નેતાઓની જેમ સરકારી તંત્રને પણ હવે સસ્તી પ્રસિદ્ધિની ભૂખ લાગી ગઈ છે, જેથી કોઈ પણ કાર્યક્રમ હોય કે કોઈ ઈવેન્ટ. માનવતાને નેવે મુકી તંત્ર પોતાની વાહવાહી માટે લોકોની મજબૂરીનો લાભ ઉઠાવે છે, તે વાત હવે ફલિત થઈ ગઈ છે. કારણ કે, તાજેતરમાં કોરોનામાં અનાથ બનેલા બાળકોની ઓળખ છતી ન કરવા જાહેરનામુ હોવા છતા જિલ્લા તંત્રે નિયમોને નેવે મુકી નેતાઓની જેમ ફોટા પડાવવા માટે કોરોનામાં માતા – પિતા ગુમાવનારા બાળકોની મજબૂરી અને લાચારીનો લાભ લઈ હાથમાં ગીફટનું એક બોકસ પકડાવી ફોટા પાડી જાહેર માધ્યમોમાં હરખે હરખે ફેલાવ્યા હતા, જે વાત હજુ સમી નથી ત્યાં આજે બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે.
આ અંગેની વિગત મુજબ એચઆઈવીથી સંક્રમીત સગર્ભા મહિલાઓ માટે સરકારની અનેકવિધ યોજનાઓ છે. આ મહિલાઓ પ્રેગનેન્ટ હોય તો તેમના બાળકને પણ બિમારીનો ચેપ લાગવાની શક્યતા રહેલી છે. જેથી આવી મહિલાઓના આરોગ્ય બાબતે સમયાંતરે ચેકઅપ અને રોગની દવાઓ લેવી જરૂરી છે. આ બિમારી યોગ્ય નિદાન થકી મટાડી શકાય છે. કચ્છમાં એચઆઈવીથી સંક્રમિત સગર્ભા મહિલાઓની અંદાજીત સંખ્યા ૧૩પ જેટલી છે. દૂર દૂર સુધી વિસ્તરેલા કચ્છ જિલ્લામાં આરોગ્યની સેવા અગાઉથી ખાડે ગઈ છે. કારણ કે, સરહદી વિસ્તારોમાં રહેતી સગર્ભા મહિલાઓને સારવાર સ્થાનીકે ન મળતા ભુજ સુધી ધક્કો ખાવો પડે છે. ભૂતકાળમાં આ લાંબી મુસાફરીના કારણે અનેક સગર્ભા મહિલાઓના જીવ જોખમમાં મુકાયા છે.બાળકોના મોત નિપજવા સુધીની ઘટનાઓ બની ચુકી છે. આવા સમયે તંત્રએ માનવતા દાખવવી જોઈએ. એક તો મહિલા સગર્ભા છે, ઉપરથી તે એચઆઈવી પોઝીટીવ છે. આવા સમયે બે જીવની કાળજી લેવાની હોય, જેથી તેઓને નાહકના ધક્કા ખવડાવવાના બદલે મહત્તમ આરામની જરૂરીયાત હોય છે, પરંતુ માત્રને માત્ર ફોટા પડાવવા માટે ભુજમાં આવેલી ટીબી હોસ્પિટલ ખાતે આજે તાયફાનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવીંગ વીથ એચઆઈવી એઈડ્‌સ અને જીએસએનપી પ્લસના નેજા હેઠળ સ્વેતા પ્રોજેકટ દ્વારા કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંગે થોડા અંશે નારાજગીનો સૂર પણ ઉઠ્યો હતો.જિલ્લા પ્રોગ્રામ ઓફિસર રાજેશ વાઘેલાએ જણાવ્યું કે, એચઆઈવી સંક્રમિત ૧૬ સગર્ભા મહિલાઓને રૂબરૂ બોલાવી રાશનકીટ અપાઈ છે અને ફેમીલી પ્લાનીંગ અંગે સમજણ અપાઈ છે. આ મહિલાઓ સગર્ભા અને એચઆઈવી સંક્રમિત હોવાથી ભવિષ્યમાં પ્રેગનેન્ટ બને તો બાળકમાં ચેપ લાગવાની શક્યતા હોય છે, જેથી ઓપરેશન અંગે સમજણ અપાઈ છે. જિલ્લામાં અંદાજે ૧૩પ જેટલી સગર્ભા અને ધાત્રી માતાઓ આવેલી છે. આ કાર્યક્રમમાં સગર્ભા મહિલાઓને દૂર દૂરથી માત્ર હજાર રૂપિયાની કીટ આપવા ભુજ કેમ બોલાવાઈ ? આવા કાર્યક્રમ ગામડે ગામડે અને તાલુકામાં પણ કરી શકાય. મહિલાઓને ઘરે જઈને કીટ આપી ફેમીલી પ્લાનીંગ અંગે સમજણ તંત્ર કેમ આપતું નથી. ? આ પ્રકારના પ્રશ્નો રાજેશ વાઘેલાને પુછતા તંત્રનું બચાવ કરતા કહ્યું કે, આજે જે મહિલાઓે રાશનકીટ અપાઈ છે, તે મહિલાઓ જી.કે.માં રૂટીન ચેકઅપ માટે આવી હતી, જેને રાશનકીટ અપાઈ છે. કોઈ દબાણ કરવામાં આવતું નથી. હવે તાલુકા અથવા ગામમાં જઈ કીટ આપી ફેમીલી પ્લાનીંગ અંગે સમજણ આપવા આયોજન હાથ ધરવાનું જણાવ્યું હતું.