૧૦મી સપ્ટેમ્બર : વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ… જિંદગીના પડકારને પૂરી તાકાત અને શ્રદ્ધાથી સામનો કરો

જી.કે. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સક વિભાગે સૂચવ્યા કારણો, સંકેતો અને ઉપાય

ભુજ : જ્યારે કોઈ વ્યક્તિ અસહાય માનસિક પરિસ્થિતિમાંથી પસાર થાય છે ત્યારે ડિપ્રેશનમાં ચાલ્યો જાય છે. પરિણામે આવી વ્યક્તિઓ આત્મહત્યાનો માર્ગ અખત્યાર કરે છે. સમાજમાંથી આવી માનસિકતા દૂર કરવા દર વર્ષે ૧૦મી સપ્ટેમ્બરના દિવસે વિશ્વ આત્મહત્યા અટકાવ દિન તરીકે વિશ્વ આરોગ્ય સંસ્થા અને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય ફેડરેશન દ્વારા ઉજવવામાં આવે છે. અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સકોએ વિશ્વ આરોગ્ય સંસ્થાને ટાંકીને જણાવ્યુ હતું કે, દર ૪૦ સેકન્ડે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે. એ મુજબ દર વર્ષે આઠ લાખથી વધુ લોકો આત્મઘાતી પગલાં તરફ વળે છે. આવું કરતાં લોકો અટકે તે માટે વર્ષ ૨૦૦૩થી ઇન્ટરનેશનલ એસો. ઓફ સ્યૂસાઇડ પ્રિવેનશન સંસ્થા શરૂ થઈ છે. જેના ઉપક્રમે લોકોમાં સકારાત્મક વિચારોનો પ્રસાર કરવામાં આવ્યો છે. આખરે રોજેરોજ આત્મહત્યાના કેસ કેમ વધે છે એવું જી.કે.જનરલ હોસ્પિટલના મનોચિકિત્સક વિભાગના હેડ ડો. મહેશ ટીલવાણીને પૂછતા તેમણે કહ્યું કે, વર્તમાન સંજાેગોમાં કામ સાથેની ભાવનાત્મક લાગણી ભુલાઈ ગઈ છે. જાત અને ઇષ્ટદેવ પ્રત્યેની શ્રધ્ધામાં ઘટાડો થઈ રહ્યો છે. જેથી નાની નાની અસફળતા વ્યક્તિને દુઃસાહસ તરફ દોરી જાય છે. ઉપરાંત લોકો સમસ્યાથી લડવાને બદલે જાતને જ ખતમ કરવાનું આસાન માનતા થઈ ગયા છે. આત્મહત્યા અટકાવવા માટે શું કરવું એ અંગે ડો.ટીલવાણી સાથે જી.કે.ના અન્ય મનોચિકિત્સક અને આસી. પ્રો. ડો. ચિરાગ કુંડલિયાએ કહ્યું કે, જાતને પોતાની સાથે જાેડી રાખો મનની વાત પરિવારને કહેવી જેમ ખુશી વહેચવાથી વધે છે એમ દુઃખ કોઈને કહેવાથી ઓછું થાય છે. કોઈપણ વ્યક્તિ આત્મહત્યા કરશે એ કેમ જાણવા મળે એ અંગે તબીબોએ કહ્યું કે, જે વ્યક્તિ આત્મહત્યાની વાતો કરે, મૂલ્યવાન વસ્તુ કોઈને આપી દે, એકલા રહેવાનુ પસંદ કરે, પસંદગીના કામમાં અરુચિ દર્શાવે તો ચેતી જવા જેવુ છે અને શરમ સંકોચ વિના તેનો ઈલાજ કરાવો જાેઈએ. એમ જણાવી ઉપાયો અંગે તેમણે કહ્યું કે, હું આત્મહત્યા કરીશ તો તેમ તે નહીં કરે એમ માનવાની ભૂલ નજીકના સગાએ કરવી નહીં અને તાત્કાલિક ઉપાયો અજમાવવા જાેઈએ.