હોસ્પિટલના શ્રેય માટે હાઉસકીપીંગ અને પેશન્ટ કેરની ભૂમિકા મહત્વની

જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં ખડેપગે ફરજ બજાવતા ૨૩૧ શિસ્તબધ્ધ કર્મીઓનું કોરોનાકાળમાં અનોખુ પ્રદાન

ભુજ : કોઈપણ હોસ્પિટલના શ્રેય માટે ત્રણ માનવીય સ્ત્રોતનું ખૂબ જ મહત્વ હોય છે. ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ જાણીતા ચહેરા છે, પરંતુ પ્રશંસાની પરવાહ કર્યા વિના સતત કાર્ય કરતા હાઉસ કીપીંગ અને પેશન્ટ કેર સ્ટાફની હોસ્પિટલમાં ભૂમિકા અનોખી હોય છે. હોસ્પિટલમાં તમામ સ્તરે આરોગ્યની જાળવણી માટે વિવિધ પ્રકારની સફાઈ શુધ્ધિ અને દર્દીની સંભાળ રાખતા ખરા અર્થમાં તેઓ આરોગ્યની પ્રથમ હરોળના સૂરક્ષાકર્મીઓ છે. અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં આવા ૨૩૧ શિસ્તબધ્ધ સૈનિકો ફરજ બજાવે છે.
જી.કે. જનરલ હોસ્પિટલમાં સોડેકસો અંતર્ગત આ વિભાગ સંભાળતા કિ-અકાઉન્ટ મેનેજર કૃણાલ શાલીને જણાવ્યું હતું કે, હાઉસ કીપીંગ અને પેશન્ટ કેર સ્ટાફ હોસ્પિટલની સાફ-સફાઈ તો કરે જ છે, પરંતુ કોરોનાકાળમાં તેમનું યોગદાન સરાહનીય હતું. આવા દર્દીની સારસંભાળની સાથે કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીને ચોકકસ કિટ પહેરાવી સબંધીને સુપરત કરવાથી લઈને તેમના અંતિમ સંસ્કાર સુધી સાથે રહી જે પ્રદાન કર્યું છે. તેની નોંધ લેવાઇ છે. કોરોનાના દર્દીઓની તમામ પ્રકારની સેવા કરી તમામ ૨૩૧ પેશન્ટ કેર કોરોનામાં સપડાયા છતાં જેવા કોરોનામાંથી મુકત થતા ગયા તેમ પુનઃ ફરજ પર લાગી ગયા. કોરોના ઉપરાંત તેઓ અગત્યનું ઇફેકશન કંટ્રોલનું પણ સંભાળે છે. હોસ્પિટલમાં ચેપ માટે સંવેદનશીલ ગણાતા ભાગોનું ફ્યુમિગેશન તો કરે જ છે, પરંતુ દર્દીનું લોહી, યુરીન, ઝાડા-ઉલ્ટી, વિગેરે પથારી કે ફર્શ ઉપર પડી જાય અને કોઈને ચેપ ન લાગે એ માટે વૈજ્ઞાનિક પધ્ધતિથી સફાઈ પણ કરે છે. સાથે બાયોમેડિકલ વેસ્ટના સાધનોને ચોક્કસ જગ્યાએ તેના નિકાલ માટે રાખવાની કામગીરી પણ તેઓ કરતાં હોય છે તેવું સિનિયર એક્ઝિક્યુટિવ નિશાંત જાેશી અને વિશાલ શાહે જણાવ્યુ હતું.
આ ઉપરાંત સિનિયર એક્ઝિક્યુટિવ કિશોર ચુડાસમા અને જુનીયર એક્ઝિક્યુટિવ કરણ ભટ્ટના જણાવ્યા મુજબ હોસ્પિટલની સાફ-સફાઈ તો રોજીંદી પ્રક્રિયા છે. સાથે-સાથે રૂટિન કામમાં દર્દીને નક્કી કરેલી વ્હીલચેર અથવા સ્ટ્રેચરમાં લઈ આવવા- ટેસ્ટ માટે લઈ જવા,દર્દીને કપડાં બદલવા, ખાવાનું આપવું, નર્સની સૂચના મુજબ દર્દીને દવા આપવી. એ બધુ તેઓ સંભાળે છે. અરે ! કેટલાક તો દર્દીને નવડાવે પણ છે. આમ, તેઓ સાચા અર્થમાં આરોગ્યના શિસ્તબધ્ધ સૈનિકો છે.