હોળી-ધુળેટી પર્વ માટે કચ્છનું એસટી તંત્ર સજ્જ

વિભાગીય નિયામક દ્વારા તમામ ડેપો મેનેજરને લખાયા પત્ર : ટ્રાફિક અનુસાર દાહોદ, પંચમાલ, ગોધરા, હિંમતનગરની વધારાની બસો દોડાવવા અપાયો આદેશ

ભુજ : હોળી-ધુળેટી પર્વ આડે ગણતરીના દિવસો બાકી રહ્યા હોઈ સરકારી ગાઈડ લાઈનને અનુસરીને તહેવારોની ઉજવણી માટેની લોકોએ તૈયારીઓ આરંભી દીધી છે. તહેવારોની ઉજવણી લોકો પોતાના પરિવારજનો સાથે જ કરતા હોય છે ત્યારે કચ્છ જિલ્લામાં પરપ્રાંતિય શ્રમજીવી સહિતના લોકો મોટી સંખ્યામાં રોજગારી અર્થે સ્થાયી થયા છે ત્યારે આવા લોકો તહેવારો દરમિયાન પોતાના ઘરે સરળતાથી પહોંચી શકે તે માટે કચ્છનું એસટી તંત્ર સજ્જ બન્યું છે. ટ્રાફિક અનુસાર વિવિધ રૂટો પર વધારાની બસો દોડાવવા અંગે આદેશ અપાયો છે. આ અંગેની વિગતો મુજબ તહેવારો દરમિયાન એસટી બસોમાં પ્રવાસીઓની સામાન્ય રીતે વિશેષ ભીડ રહેતી હોય છે. લોકો પોતાના ગંતવ્યસ્થાને સરળતાથી પહોંચી શકે તે માટે કચ્છ એસટી તંત્ર દ્વારા મોટા તહેવારો દરમિયાન ટ્રાફિક ધરાવતા રૂટો પર વધારાની બસો દોડાવાતી હોય છે. આગામી રવિવાર તેમજ સોમવારે હોળી-ધુળેટી પર્વ હોઈ આ પર્વ દરમિયાન પણ અનેક રૂટો પર ભારે ટ્રાફિક રહેવાની સંભાવના હોઈ કચ્છનું એસટી તંત્ર અગાઉથી જ તૈયારીઓમાં વ્યવસ્થ બન્યું છે. કચ્છ એસટીના વિભાગીય નિયામક ચંદ્રકાંત મહાજને વિગતો આપતા જણાવ્યું કે, દાહોદ, ગોધરા, પંચમહાલ, હિંમતનગર સહિતના રૂટો પર ટ્રાફિક પ્રમાણે વધારાની બસો દોડાવવા અંગે કચ્છના તમામ ડેપો મેનેજરને પત્ર લખી જાણ કરી દેવામાં આવી છે. સંબંધિત ડેપો મેનેજર પ્રવાસીઓના ધસારાને ધ્યાને લઈ વધારાની બસો શરૂ કરશે.