હેરોઈન કાંડ : શાહીદ સુમરાની પુછપરછમાં ચોંકાવનારા ઘટસ્ફોટ

પ્રોપર્ટી ડિલરથી ડ્રગ સિન્ડિકેટનો કાળો કારોબાર

બોટની નુકશાની સરભર કરવા ડ્રગ્સના ધંધામાં જંપલાવ્યું : દુબઈના સોમાલીયા કેન્ટીન ખાતે આ કારોબાર શરૂ કરવા ઘડાયો હતો પ્લાન : લશ્કરે તૈયબાના સાથી હાજી જાનના ઈશારે સુમરાએ કરોડોનું ડ્રગ્સ ભારતમાં ઘુસાડ્યું

ભુજ : ગુજરાતના માંડવીના રહેવાસી શાહીદ કાસમ સુમરા માટે જમીન લે વેચના ધંધાથી માંડીને વહાણના માલિક અને ત્યાંથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટના સભ્ય સુધીની સફર બોલીવુડ ફિલ્મ જેવો છે. હાલમાં જેલના સળિયા પાછળ રહેલા સુમરા પર ગુજરાતના દરિયાઈ માર્ગે ભારતમાં પ૦૦ કિલો ગ્રામ ડ્રગ્સ ઘૂસાડવાનો આરોપ છે અને તે પણ પાકિસ્તાન સ્થિત હાજી જાન નામના શખ્સના ઈશારે. હાજી જાન વિશે કહેવાય છે કે તેના સીધા સંપર્ક લશ્કર-એ-તૈયબા સાથે છે તેવા ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવવા પામી રહ્યા છે. એટીએસના વરિષ્ઠ અધિકારીઓને કહેવા પ્રમાણે હાજી જાન ભારતના જમ્મુ-કાશ્મીરમાં આતંકી પ્રવૃતિ માટે ફન્ડિંગ પણ કરે છે. તેના ભારતમાં સાગરીત છે, પંજાબના અમૃતસર સીમરનજીતસિંહ સંધુ. સંધુ ભારતની સીમા ઓળંગીને ઈટાલી ભાગી ગયો હતો. જોકે, એટીએસ દ્વારા જારી કરાયેલા રેડ કોર્નર નોટિસ આધારે તેને ઈટાલીની પોલીસે પકડી પાડ્યો છે. તેને ટૂંક સમયમાં જ ભારત લાવવામાં આવશે. સુમરાની વાત કરીએ તો એક યુવાન તરીકે તેણે જમીન લે વેચનો અને બિલ્ડિંગ કન્સ્ટ્રકશન ધંધો શરૂ કર્યો હતો. બાદમાં તે માંડવીના રહેવાસી રફીક સુમરાના સંપર્કમાં આવ્યો હતો. રફીક સુમરાના પાડોશી એવા અબ્દુલ રઝાક સોટ્ટા ઉર્ફે રાજુ દુબઈના સંપર્કમાં આવ્યો હતો. સોટ્ટા ભારતથી બકરા દુબઈ મોકલતો હતો અને ત્યાંથી ખજૂર ભારત લાવતો હતો. ર૦૧૬-૧૭મા ત્રણેય ભેગા મળીને એક બોટ ખરીદવાનું નક્કી કર્યું હતું કે જેથી કરીને તેમને વધુ ફાયદો થાય. એટીએસના અધિકારીઓ કહેવા પ્રમાણે તેમણે જે બોટ રૂા.૪૦ લાખમાં ખરીદી હતી કે ખામીયુક્ત હતી અને દુબઈ ખાતે તેના રિપેરિંગમાં વધુ પૈસા ખર્ચાઈ જતા ત્રણેયને મોટું નુકશાન થયું હતું. આવામાં રાજુ દુબઈની મુલાકાતમાં દુબઈ ખાતે આવેલા સોમાલીયા કેન્ટીન નામની જગ્યા પર નબી બખ્શ નામના પાકિસ્તાની સાથે થઈ હતી. બખ્શે રાજુ દુબઈનો સંપર્ક હાજી જાન સાથે કરાવ્યો હતો. આમ ત્રણે ડ્રગ્સના ધંધામાં આવી ગયા હતા. તેમને લાગ્યું કે ડ્રગ્સ તસ્કરી કરી તેઓ પોતાના નુકશાનની ભરપાઈ કરી શકશે.રાજુ દુબઈ, શાહીદ સુમરા અને હાજી જાન વચ્ચે નક્કી થયું હતું કે પાકિસ્તાની બોટ હેરોઈન જથ્થો લઈને આંતરરાષ્ટ્રીય જળ સીમા સુધી આવશે અને ત્યારબાદ ભારતીય બોટ, જેનો બંદોબસ્ત રાજુ દુબઈ, શાહીદ અને રફીક સુમરા કરશે તે બોટ હેરોઈનનો જથ્થો કચ્છના માંડવી સુધી પહોંચાડશે. એટીએસના સુત્રોએ કહ્યું હતું કે, આ માટે માંડવીના જ ઈકબાલ નામના શખ્સની બોટ નક્કી કરવામાં આવી હતી. જોકે, ઈકબાલને ખબર ન હતી કે તેની બોટમાં હેરોઈનનો જથ્થો લવાશે. એનઆઈએ (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી) હાલમાં શાહીદ સુમરા સાથે સંકળાયેલા એક કેસની તપાસ કરી રહી છે, પરંતુ ટુંક સમયમાં એનઆઈએ બીજા કેસની તપાસ પણ લઈ લેશે તેવી સંભાવના એટીએસના સુત્રોએ વ્યકત કરી છે. એટીએસના સુત્રોએ કહ્યું હતું કે, માંડવી નજીકના બાગ ગામના રહેવાસી એવા અબ્દુલ રઝાકે ર૦૦ કિલોગ્રામ હેરોઈન બાગ ગામથી પાંચ કિ.મી. દુર એક ખેતરમાં ખાડો ખોદી દાટી દીધું હતું. જે પછીથી ગુજરાત એટીએસે કબ્જે લીધું હતું. હેરોઈન દાણચોરીની મોડેસ ઓપરેન્ડિની વાત કરીએ તો, સ્મગલર વેરીફાઈ ફિકવન્સી (વીએચએફ)નો ઉપયોગ કરી દરિયામાં મળતા હતા. ગરીબ અને અમીર જેવા કોડ વર્ડનો ઉપયોગ કરતા હતા. હેરોઈનનો જથ્થો માંડવીથી મહેસાણાના ઊંઝા ખાતે લવાતો હતો અને ત્યાંથી જીરાના થેલામાં છુપાવી અમૃતસર મોકલવામાં આવતો હતો. મૂળ કાશ્મિરના મંજૂર અને નઝીર નામના વ્યકિત ઊંઝાથી હેરોઈન રવાના કરતા હતા.