હુમલાના ભયથી પોલીસની સાથે સાથે ભાગવું પડે છે ડોનના ભાઇને

મુંબઇ : અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરની ધરપકડ થઈ ગઈ હોવા છતાં પણ તે ભાગતો ફરી રહ્યો છે. જોકે આ વખતે તે પોલીસથી નહીં પણ પોલીસની સાથે-સાથે ભાગી રહ્યો છે.વાત એમ છે કે ઇકબાલ કાસકર એક હાઈ-પ્રોફાઇલ આરોપી હોવાથી તેના પર હુમલો થવાનો પણ ભય છે અને તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને થાણે પોલીસ દર બીજે દિવસે યોજનાપૂર્વક ઇકબાલને અન્ય સ્થળે ખસેડી રહી છે. માત્ર આઠ દિવસના સમયગાળા દરમ્યાન થાણે  પોલીસ ઇકબાલ કાસકરને
પોતાના કાર્યક્ષેત્રમાં આવતા થાણે નગર અને વાગળે એસ્ટેટ સહિતનાં ત્રણ જુદાં-જુદાં લોક-અપમાં લઈ ગઈ છે.આજે કાસકરની પોલીસ-કસ્ટડી પૂરી થાય છે અને એથી હવે તેને કયાં લઈ જવામાં આવે છે એ જોવું રહ્યું. બિલ્ડર પાસેથી કથિત ખંડણી ઉદ્યરાવવા બદલ ઇકબાલ કાસકરની ધરપકડ કરવામાં આવી હતી. તે તપાસકર્તાઓની સાથે કેવી રીતે વર્તે છે અને શું તે તપાસમાં સહકાર આપે છે કે નહીં એ સવાલનો જવાબ આપવાનું પોલીસ-અધિકારીઓએ ટાળ્યું હતું. અમુક અધિકારીઓએ જણાવ્યું હતું કે ડોનનો ભાઈ સિગારેટની માગણી કરતો હોય છે, પરંતુ તેને કોઈ પણ પ્રકારની વિશેષ વ્યવસ્થા પૂરી પાડવામાં નથી આવી રહી. ૧૯૮૭માં ખતરનાક ગેન્ગસ્ટર બાબુ રેશિમને તેની હરીફ ગેન્ગના સભ્યોએ જેલમાં જ પતાવી દીધો હતો. હરીફ ગેન્ગના સભ્યોએ મધ્ય મુંબઈમાં આવેલા જેકબ સર્કલના લોક-અપ પર હલ્લાબોલ કરી બોમ્બ ફેંકયા હતા અને રેશિમને ગોળી મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એમાં નિષ્ફળ જતાં તેમણે લોક-અપનું તાળું તોડી રેશિમના સેલમાં જઈ તલવારો અને બંદૂકથી રેશિમ પર હુમલો કર્યો હતો.
જયારે દાઉદના કટ્ટર હરીફ એવા છોટા રાજનને ધરપકડ કરી ભારત લાવવામાં આવ્યો હતો ત્યારે CBIએ તેની સુરક્ષાને ધ્યાનમાં રાખી તેને મુંબઈ લાવવાને બદલે દિલ્હીમાં રાખવાનો નિર્ણય લીધો હતો.