હિન્દુત્વ સંગઠન મજબૂત કરવા નખત્રાણાથી દયાપર સુધી ભગવા બાઈક રેલી

હિન્દુ સંગઠનો, વીએચપી તેમજ બજરંગ દળના કાર્યકરો બહોળી સંખ્યામાં રેલીમાં જોડાયા : કોઈ અઘટીત ઘટના ન બને એ માટે એએસપીના માર્ગદર્શન હેઠળ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : ડી.જે. સાઉન્ડના ગગન ભેદી નાદ વચ્ચે ભગવો લહેરાયો

 

અશાંતિ ફેલાવતા તત્ત્વો સામે જાહેરનામું બહાર પાડો : પ્રધ્યુમનસિંહ જાડેજા
ભુજ : અબડાસા વિધાનસભા મત વિસ્તારના ત્રણ તાલુકાઓમાં તમામ જ્ઞાતિઓ અને હિન્દુ – મુસ્લિમ લોકો ભાઈચારાથી અને એકતાથી રહે છે, છતાં પણ કોઈને કોઈ તકલીફ હોય તે માટે પોલીસ સ્ટેશન કે કોર્ટમાં જઈ શકે છે, હાલમાં કચ્છ જિલ્લાના ગામડાઓમાં સોશિયલ મિડિયા પર કોઈ પણ સમાજના અમુક અસામાજિક તત્ત્વો અશાંતિ ફેલાવવા, પોતાનો રાજકીય રોટલો શેકવા, નામના મેળવવા માટે કોઈ પણ સમાજ, ધર્મ વિરૂદ્ધ જેમ તેમ અસભ્ય શબ્દો વાપરીને તેમજ કોઈ પણ ધર્મ જ્ઞાતિ વિરૂદ્ધ રેલી કાઢીને યુવાનોને ગેરમાર્ગે દોરીને તેમનું ભવિષ્ય બગાડવાનું કાર્ય કરી રહેલા છે તેવું અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
તાજેતરના સમયમાં જ જયારે હિન્દુ – મુસ્લિમ ધર્મના ધાર્મિક સ્થળોએ તોડફોડ સહિતના બનાવો બનેલા ત્યારે આ વિસ્તારના ત્રણેય તાલુકાઓમાં ખોટી રીતે અશાંતિ ફેલાવતા કોઈ પણ ધર્મના આવા અસામાજિક તત્ત્વોને સભા કે રેલીની મંજૂરી આપવી નહિં અને આપવામાં આવે તો એ માટે જવાબદાર વ્યક્તિની અશાંતિ ન ફેલાય તેવી બાંહેધરી લેવી અન્યથા એવું માનવામાં આવશે કે આવા તત્ત્વોને તંત્ર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવું જણાવતા શ્રી જાડેજાએ નખત્રાણા અને લખપતના મામલતદારોને પત્ર પાઠવીને ઉમેર્યું હતુ કે, આવા અવાર નવાર ખોટા ડખા અને અશાંતિ ફેલાવવાળા તત્ત્વો સામે જાહેરનામું બહાર પાડવું જોઈએ.

 

દયાપરમાં હિન્દુ- મુસ્લિમ સમાજની મળી બેઠક
આવી રેલીઓને કોમી એકતાને નુકસાન પહોંચાડનારી ગણાવાઈ
ભુજ : નખત્રાણાથી દયાપર સુધી યોજવામાં આવેલી બાઈક રેલીના અનુસંધાને દયાપર મધ્યે હિન્દુ – મુસ્લિમ સમાજની મળેલી બેઠકમાં બંને સમાજ વચ્ચેનો જે ભાઈચારો છે તેને મિશાલ રૂપ બનાવવા ભાર મુકી આવી રેલીઓને કોમી એકતાને નુકસાન પહોંચાડનારી ગણાવાઈ હતી.

 

નખત્રાણા : આજે સવારે વિહિપ અને બજરંગ દળ તેમજ હિન્દુ સંગઠનના કાર્યકરો દ્વારા નખત્રાણાના બજરંગ ક્રિકેટ ગ્રાઉન્ડ મધ્યે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હિન્દુત્વ સંગઠન મજબૂત કરવા આહ્‌વાન કરાયું હતું. તેમજ ભગવા વેશ સાથે ધ્વજા ધારણ કરી છેક દયાપર સુધી કાર્યકરો બાઈક રેલીમાં જોડાયા હતા અને જય જય શ્રીરામના ગગન ભેદી નારા સાથે વાતાવરણ ધર્મમય બની ગયું હતું.
આજે સવારે અહીં નખત્રાણાના એએસપી રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ રેલીમાં રઘુવીરસિંહ જાડેજા, ચેતન રાવલ, કૃષ્ણકાંત પંડ્યા, લક્ષ્મણસિંહ સોઢા, જે.આર. ગોસ્વામી, સતીષભાઈ ત્રિવેદી, પયુષ રૈયાણી, રાજુભાઈ (ભગવતીધામ), ધનસુખભાઈ ઠક્કર, વિરનાથ બાપુ (બેરૂધામ), રવજી મેઘજી બાથાણી સહિતના
જોડાયા હતા.