હિચકી’હીટ નીવડતા સિકવલનો નિર્ણય

યશરાજની સિદ્ધાર્થ મલ્હોત્રા નિર્દેશિત ફિલ્મ હિચકી હિટ નીવડતાં હવે એેની સિક્વલ હિચકી ટુ બનાવવાની યોજના શરૃ થઇ હોવાનું જાણવા મળ્યું હતું. યશરાજના સર્વેસર્વા આદિત્ય ચોપરા સાથે ઇટાલીમાં લગ્ન કર્યા બાદ અને પુત્રી આદિરાના જન્મ પછી રાની મુખરજી ચોપરાએ આ ફિલ્મ દ્વારા અભિનય ક્ષેત્રે પુનરાગમન કર્યું હતું. આ ફિલ્મ હિટ નીવડતાં એવી માન્યતા પણ રાનીએ ખોટી પાડી હતી કે અભિનેત્રી પરણી જાય અને એકાદ બાળકની માતા બની જાય એટલે એની કારકિર્દીનો અંત આવી જાય.અગાઉ રાનીની કઝિન કાજોલે પણ અજય દેવગણ સાથે લગ્ન કર્યાં બાદ અને બે બાળકની માતા બન્યાં બાદ ફિલ્મોમાં પુનરાગમન કર્યું હતું. એ ફિલ્મ હિટ નીવડી હતી.હિચકીમાં રાનીએ એક એવી મનોરોગી ટીચરનો રોલ કર્યો છે જે પોતાની માનસિક પરિસ્થિતિને અતિક્રમી જઇને સફળ નીવડે છે. ફિલ્મને બોક્સ ઑફિસ પર સારો આવકાર સાંપડયો હતો એટલે હવે યશ રાજ હિચકીની સિક્વલ બનાવવાનું વિચારી રહી હોવાનું જાણવા મળ્યું હતું. હિચકીના ડાયરેક્ટર સિદ્ધાર્થ પી મલ્હોત્રાએ કહ્યું હતું કે હિચકી લખતી વેળા એ ફ્રેન્ચાઇઝ બની જશે એવી મને સપનેય કલ્પના નહોતી. હવે ફિલ્મ હિટ નીવડતાં એની સિક્વલ બનાવવાનો વિચાર યશ રાજને આવ્યો છે એ વાતે હું ઉત્તેજિત છું. મેં કરેલી મહેનત સફળ થયાનો મને આનંદ છે.