હાશ… કચ્છમાં આજે કોરોનાનો કોઈ પોઝિટીવ કેસ નહી

13 દર્દીઓ સ્વસ્થ થતા અપાયુ ડિસ્ચાર્જ, હજુ જિલ્લામાં 49 કેસ એક્ટિવ

ભુજ : કચ્છમાં કોરોના મહામારીની બીજી લહેરમાંથી આપણે બહાર આવી ગયા છીએ. અને સૌથી મોટા સમાચાર એ છે કે, આજે કચ્છમાં મહિનાઓ બાદ કોરોનાનો કોઈ પોઝિટીવ કેસ નોંધાયો નથી. તેથી કહી શકાય કે, કચ્છ જિલ્લો કોરોના મૂક્ત થયો છે. જો કે, હજુ 49 કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ છે. તેઓના સ્વસ્થ થયા બાદ આપણે સંપૂર્ણપણે કોરોના મૂક્ત ગણાઈ શકીએ.

છેલ્લા એકાદ મહિના કચ્છમાં કોરોનાના ગણ્યા-ગાંઠ્યા જ કેસો નોંધાઈ રહ્યા હતા. જૂન મહિનાના પ્રારંભથી જિલ્લામાં કોરોનાના કેસો પર મહદઅંશે રોક લાગી ગઈ હતી. તેવામાં ગઈકાલે 3 પોઝિટીવ કેસ નોંધાયા બાદ આજે જિલ્લામાં કચ્છમાં એક પણ પોઝિટીવ કેસ નોંધાયો ન હતો.. જ્યારે 13 દર્દીઓ કોરોનાની બીમારીમાંથી સ્વસ્થ થતા તેઓને ડિસ્ચાર્જ અપાયુ હતુ. ગુજરાતમાં પણ આજે પોઝિટીવ કેસનો આંક ઘટીને ડબલ ડિઝીટમાં 96 પર પહોંચ્યો હતો. જિલ્લાની વાત કરીએ તો કચ્છમાં આજે કોઈ પોઝિટીવ કેસ સામે ન આવતા અત્યાર સુધીમાં કુલ પોઝિટીવ કેસનો આંક 12 હજાર 577 રહ્યો છે. તો 12 હજાર 416 દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. મૃત્યુ આંક 282 નોંધાયો છે. જ્યારે હજુ પણ 49 દર્દીઓ સારવાર હેઠળ છે.