હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને જિજ્ઞેશ મેવાણીનો ટેકો

અમદાવાદઃ હાર્દિક પટેલના પાટીદાર અનામત આંદોલન મામલે આગામી ૨૫ ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસમાં નહીં જોડાવાની જાહેરાત બાદ અચાનક દલિત નેતા અને અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ ઉપવાસમાં હાજરી આપવાની જાહેરાત કરી છે.જિજ્ઞેશ મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ જ્યારે આમરણાંત ઉપવાસ પર ઉતરશે ત્યારે પોતે ત્યાં હાજરી આપશે. અનામત બાબતે અમારુ સ્ટેન્ડ ક્લિયર છે. હાલમાં દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગોને જે અનામત મળે છે તેને કોઇ આંચ ન આવવી જોઇએ. આ સ્પષ્ટતા અમારી પહેલેથી જ રહી છે અને કાયમ રહેશે. હાલની અનામત વ્યવસ્થાને જાળવી રાખી એ સિવાય જે વૈકલ્પિક વ્યવસ્થામાં અનામત માગે એને અમારો ટેકો છે. એટલે હું હાર્દિક પટેલના આંદોલનમાં જઇશ અને ત્યાં જઇને પણ હું આ વાત મૂકીશ. સમાજની માગણીઓ માટે લડત લડવાનો સૌને અધિકાર છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આગામી ૨૫ ઓગસ્ટના રોજ પાટીદાર અનામત આંદોલન સમયે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ક્રાંતિ રેલીના ત્રણ વર્ષ પૂરાં થવા જઇ રહ્યાં છે ત્યારે આ દિવસે અમદાવાદ ખાતે પાટીદાર સમાજને અનામત આપવાની માંગ સાથે અન્નનો ત્યાગ કરીને હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરવાનું એલાન કર્યું છે.