હાર્દિકનો આરોપઃ ભાજપ હિંસા કરવાની તૈયારીમાં : સૌ સતર્ક રહો, બદનામ કરવા રમત રમશે

અમદાવાદઃ હાર્દિકે સરકાર પર હિંસા જેવી ઘટનાઓને અંજામ આપવાની તૈયારી કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ બધાને સાવચેત રહેવા કહ્યું હતું. ૧૧ દિવસના ઉપવાસમાં કોઈ હિંસા નથી થઈ, આંદોલનને તોડવા અને બદનામ કરવાનો ભાજપનો ખેલ ખેલેશે તેમ જણાવી તેણે કહ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો અને યુવાનો આપણે ધીરજ રાખવી. ભાજપ કે પોલીસની સામે ઘર્ષણમાં ના ઉતરો, ગાંધીચીંધ્યા માર્ગે ચાલીને અધિકાર માંગો. હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો ૧૨ દિવસ છે. તેના ઉપવાસના ૧૧માં દિવસે સરકાર સફાળી જાગી હતી. મંત્રી સૌરભે પટેલે હાર્દિકને તેના સ્વાસ્થ્યની સરકાર ચિંતા કરે છે તેવું જણાવ્યું હતું.સરકારે પાટીદાર સમાજની અગ્રણી ૬ સંસ્થાના આગેવાનોને મંત્રણા માટે બોલાવ્યા હતા. ઊર્જામંત્રી સૌરભ પટેલ, કૌશિકપટેલ અને પ્રદીપસિંહ જાડેજા તેમજ પાટીદાર સમાજના અગ્રણીઓ વચ્ચે અઢી કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સરકારે
પાટીદાર અગ્રણીઓને હાર્દિક પટેલને વહેલી તકે પારણાં કરવા માટે સમજાવવાની જવાબદારી સોંપી હતી. બીજી તરફ હાર્દિક પટેલ તરફથી એવું જણાવાયું છે કે, સરકાર સાથે ચર્ચા કરવા ગયેલા સામાજિક આગેવાનો એ કોઈ ‘પાસ‘ના ઓફિશિયલ પ્રતિનિધિ નથી કે તેમને સરકાર સાથે વાત કરવા મોકલાયેલા નથી. જો કોઈ ચર્ચા કરવી હોય તો સરકાર સીધી જ મારા સાથે જ ચર્ચા કરે.
પાટીદાર સમાજની ૬ સંસ્થાઓના અગ્રણીઓની સોલા ઉમિયાધામ ખાતે મંગળવારના રોજ બેઠક ચાલી હતી. ત્યાર બાદ તેઓ સરકાર સાથે વાટાઘાટ કરવા ગાંધીનગર ગયા હતા. ત્યાર બાદ પાટીદાર અગ્રણી સી.કે. પટેલે જણાવ્યું કે સરકાર સાથેની બેઠકમાં સમાજના તમામ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા થઇ. સરકારે અમને સામેથી આમંત્રણ આપ્યું હતું અને હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. હાર્દિક પટેલ અંગે સરકાર પણ ચિંતિત છે. સમાજના આગેવાનો હાર્દિક પાસે જઇને
પારણાં કરવા સમજાવશે. આંદોલન કોનાથી પ્રેરિત છે તેના કરતા વિશેષ મહત્વ સમાજના પ્રશ્નો છે.