હાર્દિકને હૉસ્પિટલ ભેગો કરાશે? પાણી ત્યાગની કરી જાહેરાત

અમદાવાદઃ પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફી મામલે છેલ્લા પાંચ દિવસથી આમરણાંત ઉપવાસ પર ઊતરેલા પાસના કનવીનર હાર્દિક પટેલની તબિયત દિવસેને દિવસે લથડી રહી છે હાર્દિકનું વજન એક કિલો ઘટી ગયું છે. ત્યારે રાજ્ય સરકાર પણ ચિંતિત બની ગઈ છે. અને હાર્દિક પટેલનો ઉકેલ લાવવા માટે વ્યૂહરચના ગોઠવી રહી છે. જેમાં હાર્દિક પટેલની તબિયત વધુ લથડે તે પહેલા તેને બાબા રામદેવની જેમ મધરાતે પોલીસ ઉઠાવીને સારવાર માટે લઈ જવામાં આવે એવી શક્યતા છે. આ માટે સરકાર ખાસ કરીને પોલીસ તંત્ર દ્વારા ગુજરાતના પાટીદાર વિસ્તારોનો સર્વે કરવામાં આવી રહ્યો છે કે, હાર્દિક પટેલની તબિયત બગડી હોવાના સમાચારની પાટીદાર સમાજ પર કેવી અસર પડે છે. જેના આધારે પોલીસ હાર્દિક પટેલને ગમે ત્યારે ઉઠાવી લઈને હૉસ્પિટલમાં દાખલ કરી શકે છે. હાર્દિક પટેલની પાટીદાર સમાજના અગ્રણીઓ, કૉંગ્રેસના ધારાસભ્યો અને તેના સમર્થકો ખબર-અંતર પૂછવા મુલાકાત લઈ રહ્યા છે. પાસના કાર્યકરો અને બહારગામથી આવતા ટેકેદારોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. દરમિયાન બુધવારે પાસ દ્વારા ગુજરાત હાઈ કોર્ટમાં રિટ કરીને તાકીદે સુનાવણી કરવાની માગ કરવામાં આવી છે. હાર્દિક પટેલના અનશનના સ્થળે જીવન જરૂરી ચીજવસ્તુઓ પણ લઈ જવા દેવામાં આવતી ન હોવાની રજૂઆત કરવામાં આવી છે.બીજીતરફ સામે આવતી વાત અનુસાર હાર્દિક પટેલ દ્વારા ફેસબુક લાઈવ પર હવે પાણીના ત્યાગની પણ જાહેરાત કરવામા આવી છે તો વળી તેની ઉપવાસી છાવણીમાં લોકોને પ્રવેશવા ન દેવાતા હોવાની વાત મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરવામા આવી છે જેના પર આજ રોજ સુનાવણી હાથ ધરવામા આવી શકે છે.