હાર્દિકને ફરી કેમ ફૂટયો સમાજ પ્રેમ?

ગાંધીનગર : પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ગત રવિવારે ફેસબુક લાઇવ દ્વારા પાટીદારો માટે અનામતની માગ સાથે આમરણાંત
ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. હાર્દિક પટેલે આગામી ‘પાટીદાર શહીદ દિવસ’થી એટલે કે ૨૫ ઓગસ્ટથી પાટીદારોને અનામત ન મળે ત્યાં સુધી અન્નનો ત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારી છે. હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસને અનામત માટેની છેલ્લી લડત ગણાવતા કહ્યું હતું, “અનામતની લડાઈના ત્રણ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે, ત્યારે પાટીદાર શહીદ દિવસથી હું આમરણાંત ઉપવાસ પર બેસાવાનો છું અને આ હવે છેલ્લી લડાઈ છે.
આવામાં સવાલ એ થઈ રહ્યો છે કે, હાર્દિક પટેલને ઉપવાસ પર બેસવાની જરૂર કેમ પડી?હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન સમિતિના અન્ય અગ્રણીઓને સાથે રાખ્યા વગર આમરણાંત ઉપવાસની જાહેરાત કરી એ અંગે પણ સોશિયલ મીડિયા પર અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યાં છે. એવું તો શું થયું કે હાર્દિક પટેલને આમરણાંત ઉપવાસ પર બેસવાનો નિર્ણય લેવો પડ્યો? “હાર્દિક પટેલનું આ પ્રકારનું નિવેદન નવાઈ પમાડે એવું નથી. જો હાર્દિકે પોતાના સમર્થકોને જાળવી રાખવા હોય તો અનામતની વાત ફરીથી કરવી જ પડશે. હાર્દિકના અસ્તિત્વ પર પ્રશ્ન સર્જાયો છે.”રાજકીય વિશ્લેષકોના કહેવા પ્રમાણે, હાર્દિક પટેલનો વિરોધ પાટીદાર સમાજની અંદર પણ થઈ રહ્યો છે. ત્રણ વર્ષ પહેલાં પાટીદારોનો જે વિશ્વાસ હાર્દિક પટેલ પર હતો, એ હવે રહ્યો નથી. તાજેતરમાં ચાલી રહેલી પાટીદાર શહીદ યાત્રામાં ગેરહાજરી બાબતે હાર્દિક પટેલનો સોશિયલ મીડિયા પર વિરોધ થઈ રહ્યો છે. આ ઉપરાંત હાર્દિક પટેલના સમર્થનમાંથી પાટીદારો જ પાછળ ખસી રહ્યા હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે. “હાર્દિકની અનામત અપાવવાની વાત તર્કસંગત નથી એવું હવે પાટીદારોને લાગે છે. “એ લોકોને સમજાઈ ગયું છે કે મરાઠા, જાટ અને હૈદરાબાદ તથા તેલંગાણાના મુસ્લિમોને અનામતનું વચન આપ્યું હતું, પણ અનામતની દરખાસ્તને સુપ્રીમ કોર્ટે નકારી કાઢી છે.” “ગુજરાતના સામજિક વાતાવરણમાં પણ આ મુદ્દો પકડાયો નહીં. વ્યક્તિગત પ્રસિદ્ધિનો મુદ્દો જોડાઈ ગયો હોવાથી આંદોલન દિશાવિહીન થઈ ગયું છે. ત્યારે લોકોને આ આંદોલન ચૂંટણીલક્ષી લાગે છે.” બીજી તરફ પાટીદારોને ઓબીસી ક્વૉટામાં અનામત આપવાનો વિરોધ કરતા અલ્પેશ ઠાકોર સાથે હાર્દિક પટેલ એક મંચ પર આવ્યા ત્યારથી તેમનો વિરોધ વધી રહ્યો છે. રાજકીય વિશ્લેષકના પ્રમાણે, જો હાર્દિક પટેલ આ પ્રકારના કાર્યક્રમ ન લે તો તે ભૂતકાળ બની જાય એવી પરિસ્થિતિ છે. “હાર્દિક પટેલ માટે ‘કરો યા મરો’ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ૨૦૧૯ની ચૂંટણી પણ નજીક છે અને હાર્દિક પાસે લોકો વચ્ચે જવા માટે અનામત સિવાયનો કોઈ મુદ્દો નથી. એટલે આ પ્રકારે આમરણાંત ઉપવાસ જેવા કાર્યક્રમોની જાહેરાત કરવી પડી છે.” પાટીદાર અનામત આંદોલન સમિતિમાંથી થોડાં સમય પહેલાં જ અલગ થનાર આગેવાનો માને છે કે, “પાટીદારોનું જનસમર્થન જતું રહ્યું એટલે હવે ફરી આંદોલન મજબૂત કરવા પ્રયત્ન કરે છે. ધીમે-ધીમે નારાજ લોકો એક થશે એવું લાગે છે.”