હાજીપીર ફાટકેથી ઓવરલોડ મીઠું ભરેલ ૧૬ ટ્રકોને પોલીસે કરી કબજે

નખત્રાણા : તાલુકાના હાજીપીર ફાટક પાસેથી પોલીસે ૧૬ જેટલી ઓવરલોડ ટ્રકોને ઝડપી પાડતા વાહન ચાલકોમાં ફફડાટ મચી જવા પામી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર નખત્રાણા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક રવિતેજા વાસમ શેટ્ટી તથા તેમની ટીમે આજે સવારે વાહન ચેકીંગ કાર્યવાહી હાથ ધરી હતી. હાજીપીર ફાટક પાસે ચેકીંગ દરમ્યાન મીઠુ ભરેલ ૧૬ મોટી ટરબો ટ્રકોને ઝડપી પાડી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર આર્ચયન કંપનીમાંથી ટ્રક ચાલકો મીઠુ ભરીને મુન્દ્રા પોર્ટ ઉપર લઈ જતા હતા. તમામ ટ્રકોમાં કેપીસીટી કરતા વધારે ઓવરલોડ જથ્થો ભરેલ હોઈ એક સાથે ૧૬ ટ્રકને પોલીસે કબજે કરી લેતા કંપનીના સતાધિશો તેમજ વાહન માલીકોમાં દોડધામ મચી જવા પામી હતી. તો પોલીસ દ્વારા ડિટેઈન કરાયેલ ટ્રકોના વાહન ચાલકોને આરટીઓ કચેરીએ દંડ ભરવા માટે મેમા અપાતા વાહન માલીકો તેમજ ચાલકોમાં હડકમ મચી જવા પામી હતી. ઓવરલોડ વાહનો પકડી પાડવાની કામગીરીમાં મદદનીશ પોલીસ અધિક્ષક સાથે સ્ટાફના રૂદ્રસિંહ જાડેજા તથા વિક્રમભાઈ માજી રાણા જોડાયા હતા.