હવે સિવિલ ૧૨૦૦ બેડ હોસ્પિ.માં ડેડબોડી મેનેજમેન્ટ તલાટીઓ કરશે

(જી.એન.એસ.) અમદાવાદ,ગુજરાતમાં કોરોના સંક્રમણે હાહાકાર મચાવ્યો છે. તેવામાં ગુજરાતમાં સૌથી વધુ વિકટ પરિસ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં સરકાર દ્વારા મોતનાં આંકડા માત્ર ૨૫ જ જાહેર કરવામાં આવે છે. પણ સ્મશાનોમાં સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં આ આંકડો ૨૦૦થી પણ વધારે હોવાનો ઘટસ્ફોટ થયો છે. તેવામાં આજે રાજ્યની રૂપાણી સરકારે ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં ડેડબોડી મેનેજમેન્ટની કામગારી તલાટીઓને સોંપવાનો આદેશ કર્યો છે.અમદાવાદમાં કોરોનાની સ્થિતિ અત્યંત ગંભીર છે. જેને કારણે અમદાવાદમાં ટપોટપ દર્દીઓનાં મોત થઈ રહ્યા છે. ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં કોરોના દર્દીઓને લઈને આજે પણ એમ્બ્યુલન્સોની લાઈનો લાગે છે. એટલું જ નહીં, પણ કોરોનાથી મોતને ભેટનાર દર્દીઓના મૃતદેહને લઈ જવા માટે પણ વેઈટિંગ ચાલતું હોય છે. તેવામાં રાજ્યની રૂપાણી સરકારે ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં ડેડબોડી મેનેજમેન્ટની કામગીરી તલાટીઓને સોંપવાનો નિર્ણય કર્યો છે. ડેડબોડી લેવામાં પડતી મુશ્કેલીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને શિક્ષકો બાદ હવે તલાટીઓ પણ કોરોનામાં ફરજ બજાવશે.હવે અહીં એ ચોંકાવનારી વસ્તુ છે કે, સરકારી ચોપડે અમદાવાદમાં કોરોનાને કારણે માત્ર ૨૫ દર્દીઓનાં મોત જ દર્શાવવામાં આવે છે. તેવામાં જો આખા અમદાવાદ શહેરની હોસ્પિટલોમાં માત્ર ૨૫ જ મોત થાય છે. તો એકલી ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં ડેડબોડી મેનેજમેન્ટની જવાબદારી કેમ તલાટીઓને સોંપવામાં આવી. એટલે કે સરકારી ચોપડે નોંધાતા આંકડા કરતાં ૧૨૦૦ બેડમાં મોતનો આંકડો ખુબ જ વધારે છે. સંદેશ ન્યૂઝ દ્વારા સ્મશાનોનાં રિયાલિટી ચેકમાં ૨૦૦થી પણ વધારે મોતનો ઘટસ્ફોટ થયો છે.