હવે ભુજવાસીઓને પીવા મળશે ફિલ્ટર પાણી

કુકમા સ્થિત ભુજ નગરપાલિકાના સંપ ખાતે ર૮ એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કરાયું લોકાર્પણઃ ૧પમા નાણાપંચની ગ્રાન્ટમાંથી ફાળવાઈ રકમ : પ્લાન્ટ મેઈન્ટેનન્સ માટે બે વર્ષનો અપાયો કોન્ટ્રાકટ

ભુજ : જિલ્લા મથક ભુજ શહેરની પ્રજાને પીવા માટે ફિલ્ટર પાણી મળી રહે તે માટે કુકમા સ્થિત ભુજ નગરપાલિકાના સંપ ખાતે ર૮ એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ અંગેની વિગતો મુજબ કુકમા ખાતે આવેલા ભુજ નગરપાલિકાના નર્મદા સંપમાંથી શહેરને પાણી વિતરણ કરવામાં આવે છે. અત્યાર સુધી આ પ્લાન્ટમાં ફટકડી નાખી પાણીને શુદ્ધ કરાતો હતો, પરંતુ પાણી ફિલ્ટર કરી વિતરણ કરાય તે માટે લાંબા સમયથી પ્રક્રિયા ચાલી રહી હતી, જે અંતે પૂર્ણ થતા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ભુજ ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યએ જણાવ્યું કે, કુકમા ખાતેના સંપ ખાતેથી ર૮ એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કન્સ્લટન્ટ દ્વારા પ૯ લાખનું એસ્ટીમેન્ટ આપવામાં આવ્યું હતું. ૧પમા નાણાપંચની ગ્રાન્ટમાંથી કામ કરવામાં આવ્યું છે. ર૦ કલાક પંપ ચાલુ રહેશે અને ચાર કલાક રેસ્ટ આપવામાં આવશે. લાઈટ બીલ સાથે મેઈન્ટેનન્સનો કોન્ટ્રાકટ બે વર્ષ માટે આપવામાં આવ્યો છે. દર મહિને ૧.ર૬ લાખનો ખર્ચ થશે. આ પ્લાન્ટ શરૂ કરવા માટે ભુજ નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન સહિત નગરસેવકો અને પાલિકાના કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે. વધુમાં તેમણે જણાવ્યું કે, સરકારના આદેશ મુજબ હવે તમામ પાણી યોજના ફિલ્ટર પ્લાન્ટ સાથે જ બનાવવામાં આવશે.ભુજ સુધરાઈના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું કે, ભુજ શહેરની પ્રજાને ફિલ્ટર પાણી મળી રહે તે માટે આ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભુજના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય, નગરપાલિકાના ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શહેર ભાજપ પ્રમુખ તરફથી સતત સહકાર પ્રાપ્ત થતો હોઈ વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે.આવતા ઉનાળા સુધીમાં શહેરની પાણી સમસ્યાનું મહંદશે નિવારણ થઈ જાય તે દિશામાં પણ કામ ચાલી રહ્યું છે. અગાઉ ફટકડી નાખી પાણી શુદ્ધ કરાતું હતું, હવે ફિલ્ટર કરવામાં આવશે.આ પ્લાન્ટના લોકાર્પણ વેળાએ રેશ્માબેન ઝવેરી, જગત વ્યાસ, બિંદીયાબેન ઠક્કર, અશોક પટેલ, અનિલ છત્રાળા સહિતના નગરસેવકો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.