હવે ભારતમાં આવશે અમેરિકાની મોડર્ના વેક્સિન, DCGIએ સિપ્લાને આપી ઈમ્પોર્ટની મંજૂરી

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,અમેરિકાની કંપની મોડર્નાની કોરોના વેક્સિન ઈમરજન્સી યુઝ માટે ડીસીજીઆઇએ મંજૂરી આપી દીધી છે. સિપ્લા હવે આ વેક્સિનને ભારતમાં ઈમ્પોર્ટ કરી શકશે. સુત્રોએ જણાવ્યું કે આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે. અને આ મામલે સરકાર જલ્દી જાહેરાત પણ કરી શકે છે.કોવિશીલ્ડ, કોવેક્સિન, સ્પૂતનિક વી બાદ આ ચોથી વેક્સિન હશે જેને ભારતમાં મંજૂરી મળી છે. મુંબઈ સ્થિત ફાર્મા કંપની સ્પિલાએ મોડર્ના વેક્સિનના ઈમ્પોર્ટ અને માર્કેટ ઓથોરાઈઝેશન માટે મંજૂરી માગી હતી જેને ડીસીજીઆઇએ મંજૂરી આપી દીધી છે. જણાવી દઈએ કે, ડીસીજીઆઇએ ૧ જૂને જ વિદેશી વેક્સિન માટેના નિયમોમાં છૂટ આપી હતી. ડીસીજીઆઇએ જણાવ્યું કે જો કોઈ વેક્સિનને અમેરિકા, યુરોપ, યુકે, જાપાન કે વિશ્વ આરોગ્ય સંસ્થાથી મંજૂરી મળી ચૂકી છે, તો ભારતમાં બ્રીજિંગ ટ્રાયલ કરવાની જરૂર નથી.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ મોડર્નાને પહેલેથી જ મંજૂરી આપી દીધી છે. અને વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ મોડર્નાની વેક્સિન કોરોના સામે ૯૪.૧ ટકા સુધી અસરદાર છે. તેનો પહેલો ડોઝ લગાવ્યાના ૧૪ દિવસ બાદ કોરોના થવાનો ખતરો ૯૪.૧ ટકા સુધી ઘટી જાય છે.ઉલ્લેખનીય છે મોડર્નાની સાથે ફાઈઝરની વેક્સિનને પણ ટૂંક સમયમાં જ મંજૂરી મળી શકે છે. થોડા દિવસો પહેલાં ફાઈઝરના સીઈઓ એલ્બર્ટ બોર્લાએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારતમાં ફાઈઝરની વેક્સિનની મંજૂરીની પ્રક્રિયા ફાઈનલ સ્ટેજમાં છે અને જલ્દી જ કંપની ભારત સરકાર સાથે ડીલને અંતિમ ઓપ આપી શકે છે.