હવે ભાજપનું ફોકસ મિશન ‘સ્થાનિક સ્વરાજ’ : માસાંતે યોજાશે મહત્વપૂર્ણ બેઠક

ફેબ્રુઆરીમાં થશે ભાજપની રાજકીય શકિતની પુનઃ કસોટી

 

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ હવે ફેબ્રુઆરીમાં વધુ એક વખત કોંગ્રેસ અને ભાજપની રાજકીય શક્તિની કસોટી થવાની છે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ૧૪૨૩ ગ્રામ પંચાયતો અને બીજા સપ્તાહમાં બે જિલ્લા, ૧૭ તાલુકા પંચાયતો તેમજ ૭૫ નગરપાલિકા માટે ચૂંટણી યોજાનાર છે. ભાજપે મહત્તમ ગ્રામ પંચાયતોમાં પોતાના સમર્થક કાર્યકરો સરપંચ બને તેમજ અન્ય સ્થાનિક સંસ્થાઓમાં પોતાનો કબજો બરકરાર રહે તે માટે અત્યારથી કવાયત શરૂ કરી છે. પ્રમુખ જીતુ વાઘાણીએ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી પૂર્વે જિલ્લાઓમાંથી ઉમેદવારોને લગતી સુનાવણી પ્રક્રિયા માટે નિરીક્ષકોને કામગીરી સોંપી છે. આ નિરીક્ષકો ૧૨ જાન્યુઆરી સુધીમાં સુનાવણી પૂરી કરશે. પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્‌યાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ૭૫ પાલિકા, બે જિલ્લા અને ૧૭ તાલુકા પંચાયતો માટે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ દરેક સંસ્થા દીઠ ત્રણ ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરી છે તેમણે બુધવારથી પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. આ નિરીક્ષકોમાં એક મહિલા પદાધિકારીનો સમાવેશ થાય છે. આની સાથો સાથ પ્રભારી નિરીક્ષકો પણ સુનાવણીમાં જોડાશે. ત્રણ દિવસમાં દરેક નિરીક્ષકોની ટીમ જિલ્લા, તાલુકા સ્તરે જઇ સુનાવણી પ્રક્રિયા પૂરી કરી આગામી સપ્તાહ સુધીમાં તેનો એક અહેવાલ તૈયાર કરશે. સંભવતઃ માસાંત પૂર્વે પ્રદેશ પાર્લામેન્ટરી બેઠકમાં સૌને સાંભળ્યા બાદ ઉમેદવારો જાહેર કરાશે. એક પ્રશ્નના ઉત્તરમાં
પંડ્‌યાએ કહ્યું કે, ૧૪૨૩ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મહત્તમ સમરસ થાય અને સરકારની નીતિ પ્રમાણે મહત્તમ વિકાસની ગ્રાન્ટ મેળવે એવા પ્રયાસો કરાશે. જોકે, ગ્રામ પંચાયતોની ચૂંટણી પક્ષના ચિન્હ પર લડાતી નથી. સંગઠનને સક્રિય રાખવાના ભાગરૂપે ૧૨ જાન્યુઆરીને સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદ વંદન કાર્યક્રમો તેમજ જ્યાં ચૂંટણીઓ છે તેવા વિસ્તારોમાં શોભા યાત્રા યોજવામાં આવશે. ગુજરાતભરમાં સેવાવસતિઓમાં બાળકો અને ભૂલકાઓને યુવા મોરચા દ્વારા પતંગનું વિતરણ કરાશે. આ જ રીતે સુભાષચંદ્ર બોઝ જન્મ જયંતિ નિમિત્તે ૧૬થી ૨૪ જાન્યુઆરી દરમિયાન રક્તદાન શિબિરો તેમજ ૨૬ જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન નિમિત્તે સામાજિક સમરસતા ત્રિરંગા યાત્રા યોજાશે. આ ઉપરાંત ૧૪ જાન્યુઆરીને મકરસંક્રાંતિ નિમિત્તે ભાજપ સંગઠન દ્વારા તલના લાડુ અને ચિક્કીની વહેંચણી સેવા વસતિમાં થશે. ૧૬થી ૧૮ દરમિયાન સ્થાનિક ચૂંટણીઓ છે એવા વિસ્તારોમાં સંપર્ક અભિયાન યોજવામાં આવશે. ગયા વર્ષે રાજ્મયાં દસ હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઇ તેમાં ૮૦ ટકા સરપંચ ભાજપના ચૂંટાયા હતા. જ્યારે નગરપાલિકા અને જિલ્લા, તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ભાજપની બેઠકોમાં વધારો થયો હતો. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વોટ શેર વધ્યો છે એની સાથોસાથ સતત છઠ્ઠી વખત જનતાએ ભાજપની વિકાસની રાજનીતિમાં વિશ્વાસ મુક્યો છે ત્યારે અમને વિશ્વાસ છે કે સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો જ વિજય થશે.