હવે ભચાઉમાં ગંજીપાના ટીંચતી ચાર મહિલાઓ ઝડપાઈ

  • કચ્છમાં વરસાદની સાથે જુગારની મોસમ પણ પુરબહારમાં

ભચાઉ પોલીસે ૧૧ હજારની રોકડ સહિત બે મોબાઈલ ફોન કર્યા કબજે

(ક્રાઈમ પ્રતિનિધિ)ભચાઉ : શહેરના ટાટા નગર વિસ્તારમાં રહેણાંક મકાનની બાજુમાં ખુલ્લી જગ્યાએ પોલીસે દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમતી ચાર મહિલાઓને ઝડપી પાડી હતી. આરોપી મહિલાઓના કબજામાંથી ૧૧,રપ૦ ની રોકડ રકમ તેમજ બે મોબાઈલ ફોન મળીને ૧૬,૭પ૦/-નો મુદ્દામાલ કબજે કરાયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ ભચાઉ પોલીસની ટીમ દારૂ – જુગારની બદીઓને નેસ્ત નાબુદ કરવા માટે પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મળેલી બાતમી હકિકતને આધારે ટાટા નગર વિસ્તારમાં દમયંતીબેન વિનોદભાઈ ઠક્કરના ઘરની બાજુમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે રમાતા જુગાર પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસની રેડમાં આરોપી દમયંતીબેન ઉપરાંત ઉષાબેન શાંતિલાલ સાધુ, શરીફાબેન જમાલભાઈ ફકીર અને હંસાબેન રમેશભાઈ સાગઠીયાની ધરપકડ કરવામાં આવી હતી.
મહિલાઓ કોરોના ગાઈડલાઈનનો ભંગ કરી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યા વીના જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા ઝડપાઈ હતી. પોલીસે ચારેય મહિલાઓની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, શ્રાવણ પૂર્વે જ કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે, તેવામાં વરસાદી મોસમ વચ્ચે જુગારની મોસમ પણ પુરબહારમાં ખીલી છે. જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ દ્વારા પ્રતિદિન જુગારના બે – ચાર કેસો નોંધવામાં આવે છે. કયાંક તો રીતસરની જુગાર કલબો ધમધમી રહી છે. ત્યારે પોલીસ દ્વારા જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા કડક કાર્યવાહી કરાય તેવી લોકમાંગ ઉઠી છે.