હવે પડાણામાંથી 5.20 લાખનું બાયોડિઝલ ઝડપાયું

પૂર્વ કચ્છ એલસીબી દ્વારા ગેરદાયદેસર પેટ્રોલિયમ પ્રવાહીના કરાતા વેપલા પર ધોંશ યથાવત : પોલીસના દરોડામાં ટેન્કર સહિત 12.30 લાખનો મુદ્દામાલ કરાયો કબ્જે

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર રીતે પેટ્રોલિયમ પ્રવાહી બાયોડિઝલ તેમજ બેઝ ઓઈલનું બેફામપણે વેંચાણ કરવામાં આવી રહ્યું છે. તેવામાં પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર બાયોડિઝલના કરાતા વેપલા પર ધોંશ યથાવત રાખી છે. સુરજબારી, નાની ચિરઈ બાદ પડાણામાં દરોડો પાડીને 5 લાખ 20 હજારની કિમતનુ 8 હજાર લિટર બાયોડિઝલ ઝડપી પાડવામાં આવ્યું છે. સાથે જ એક શખ્સની પોલીસે અટક કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી જે.આર. મોથલીયા તેમજ પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલની સુચનાથી પૂર્વ કચ્છ એલસીબીનો સ્ટાફ ઈન્ચાર્જ પીઆઈ એસ.એસ. દેસાઈની રાહબરી તળે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ખાનગી બાતમી હકીકતને આધારે પડાણામાં આવેલ પંચરત્ન માર્કેટ પાછળ સર્વે નંબર 131માં પ્લોટ નંબર 7 પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળે રમેશભાઈ ધનાભાઈ જરૂ દ્વારા ટેન્કર નંબર જીજે 12 વાય 8871માં ફ્લુઅલ ભરવામાં આવતું હતું. બનાવ સ્થળે લોખંડના ટાંકામાં ઈલેક્ટ્રીક મોટર ફીટ કરીને ટાંકામાંથી પેટ્રોલિયમ પ્રવાહી બાયોડિઝલનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરવામાં આવતું હતું. પોલીસે પાડેલા દરોડામાં 7 લાખનું ટેન્કર, ફ્લુઅલ ભરવા માટે નોઝલ મીટર તેમજ ઈલેક્ટ્રીક મોટર અને 8 હજાર લિટર બાયોડિઝલનો જથ્થો મળીને કુલ 12 લાખ 30 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ બાબતે ગાંધીધામ મામલતદારને જાણ કરી મુદ્દામાલનો કબ્જો સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં પૂર્વ કચ્છ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એસ.એસ. દેસાઈ, પીએસઆઈ બી.જે. જોષી સહિતનો સ્ટાફ જોડાયો હતો.