હવે ધોળાવીરાની વિકાસ ભુખ ભાંગવા આપણે કેટલા સજજ ? : પ્રભારી સચિવ (IAS) – મંત્રીશ્રીની સરકાર કરે ખાસ નિમણુંક

  • યુનેસ્કોએ તો વિશ્વ ધરોહર જાહેર કરી દીધુ..પણ..

માત્ર વૈશ્વીક હેરીટેજ જાહેર કરી દેવાથી રાજીના રેડ થઈને હરખાઈને બેસી નથી રહેવાનું.., સ્થાનિકે અનેકવિધ સુવિધાઓના વિકાસની ધોળાવીરા ઝંખે છે જરૂરિયાત

ધોળાવીરાને કેન્દ્ર સરકાર, સવાયા કચ્છી પીએમ નરેન્દ્રભાઈએ તો વિશ્વ કક્ષાઓ ચળકાવી દીધુ, પણ પર્યટકો, પુરાતત્વના અભ્યાસુ, પ્રવાસન રસિકો અહી પહોંચશે કેવી રીતે ? રોડ-રસ્તા કયા ? રહેવાની સગવડો-હેાટેલો છે ખરી ? સમ ખાવા પુરતી એક હેાટલને પાંચ વર્ષથી લાગેલા છે અલીગઢી તાણાં..? બેન્કો-એટીએમ, પાણી-વિજળી, રેલવે, ભચાઉ-રાપર જેવા મુખ્ય મથકો સાથે ધોળાવીરાનું ઝડપી જોડાણ, સહિતના અનેકવિધ પ્રાથમિક સુવિધાઓ ઝડપથી વિકસાવી પડશે..!

રાજય સરકાર કક્ષાએથી એક અભ્યાસુ જાણકારી મંત્રી અને આઈએએસ કક્ષાના અધિકારીને ખાસ સ્પેશ્યલ ઓફીસર ઓન ડયુટી તરીકે નિમે, તેમના હેઠળ કચ્છમાં યોગ્ય સમિતિ બનાવાય તો જ ધોળાવીરાનું કામ ઝડપી થાય અને વૈશ્વીક વિરાસતની ઓળખ મળવી થશે સાર્થક

ગાંધીધામ : ભારતના સપુત અને તત્કાલની મુખ્યપ્રધાન સવાયા કચ્છી એવા નરેન્દ્રભાઈ મોદી તથા વર્તમાન મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી સહિતનાઓએ કરેલી મહેનત ફળી અને તાજેતરમાં જ યુનેસ્કો દ્વારા કચ્છના ધોળાવીરાને હેરીટેજ સાઈટ તરીકે સત્તાવાર રીતે જાહેર કરી દીધી છે. કચ્છ-ગુજરાત અને ભારતને માટે આ ક્ષણને ગૌરવની ગણાવાઈ અને વધાવી લેવાઈ છે તો વળી ખડીર પંથકમાં તો રીતસરના લાપસીના એંધાણ જ સર્જાયા હોય તેવી ખુશી ફરી વળી હતી. ધોળાવીરાને વિશ્વ વિરાસત જાહેર કરવાથી અહીનો વિકાસનો સુરજ ધમધમતો થશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. યુનેસ્કોએ તો આ સાઈટને અંતે વિશ્વ વિરાસતનો દરજજો આપી જ દીધો છે, પરંતુ હવે કચ્છ અને ગુજરાત તેને સાક્ષાત કરાવવા કેટલુ સજજ છે ? આ સવાલ થવો નથી લાગતો વ્યાજબી? સરકારે તેને વિશ્વ કક્ષાની ઓળખ અપાવી દીધી છે, અને હવે તેના જ પગલે પર્યટકો, પ્રવાસન રસીકો અને પુરાતત્વના અભ્યાસુઓ ધોળાવીરા તરફે વધુ વળશે પરંતુ આ તમામને માટે ધોળાવીરા પહોચવાની, રહેવાની, ખાવા-પીવાની, વીજળી સહિતની વ્યવસ્થાઓ હાલના સમયે પુરતી છે ખરી ? આપણે સૌ અવગત છીએ કે ધોળાવીરા પહોચવુ જ હાલના તબક્કે ખુબજ કપરુ છે. રોડરસ્તાઓ અતિ દારૂણ્ય સ્થિતીમાં છે. વિશ્વ વિરાસત જાહેર કરાઈ છે એટલે થોડુ ઘણુ કદાચ કામ થાય ખરૂ પરંતુ અહી જાણકારો કહી રહ્યા છે કે, ધોળાવીરાને હકીકતમાં વિશ્વ ધરોહર તરીકે ઝડપથી સ્થાપિત થતી જોવી જ હોય તો, ગુજરાત સરકારે વિના વિલંબે એક આઈએએસ કક્ષાના અધિકારી અને એક રાજયસ્તરના મંત્રીશ્રીની ધોળાવીરાને લગતા માળખાગત-પ્રાથમિક કામોના પ્રોજેકટ માટે ખાસ કિસ્સામાં નિયુકિત કરવી જોઈએ.પ્રબુદ્વવર્ગની વાત માનીએ તો સરકારની વિવિધ યોજનાઓના કામોને આયોજન શાખામા જિલ્લા કક્ષાએ લીબા બાદ વિવિધ પ્રકારની જુદી જુદી વહીવટીમંજુરીઓ સહિતની કામગીરી કર્યા બાદ ટેન્ડરો જાહેર કરવામા આવતા હોય છે. તે બાદમાં પણ કામ રાખનારી પાર્ટીઓ અને તંત્રની ઉદાશીનતા પણ ઘણા બધા મહત્વકાંક્ષી પ્રોજેકટસને નડી જતી હોય છે. આવામાં ધોળાવીરા જેવા વીસ્તારોના કામો ઝડપથી કરવામાં ઢીલા પડશે તો આખાય વિસ્તારમાં વિકાસનો સુરજ ઉગ્યા પહેલા જ આમથી જવાની સ્થિતી બની શકે તેમ છે. ધોળાવીરાને જયારે વિશ્વ વિરાસત તરીકે સ્થાન મળી ગયુ છે તો હવે તેને અન્ય લાભો પણ મળશે તે માની શકાય તેમ છે. આવામા ધોળાવીરાના વિકાસને આડે કોઈ જ અડચણ ન આવે તે માટે હકીકતમાં સૌ પ્રથમ તો રાજય સરકાર દ્વારા કરવા પાત્ર જો કોઈ કામ હોય તો, આખાય આ મહત્વકાંક્ષી પ્રોજેકટને સાક્ષાત કરવાને માટે એક આઈએએસ કક્ષાના, સચિવ સ્તરના અધિકારી અને તેની સાથે જ રાજયસ્તરેથી જ કોઈ મંત્રીને સંયુકત રીતે જવાબદારી આપવી જોઈએ. ધોળાવીરાને ઝડપથી વિકસીત કરવાને માટે આ બન્નેને પ્રભારી મંત્રી, પ્રભારી સચિવ તરીકે ધોળાવીરા માટે અલાયદી જ જવાબદારી આપવી જોઈએ. જો આમ થશે તો આ કામની આડે કદાચ કોઈ અડચણો આવશે તો તેનો પણ સ્થાનિકે સાચો તાગ મેળવી, સરકાર તબક્કે સાચુ ધ્યાન દોરી અને અધિકારી તથા પદાધિકારી બન્નેના સંકલનથી કોઈ ગુંચ હશે તો ઝડપથી નિવારી શકાય તેમ છે. નોધનીય છે કે, ભચાઉથી ધોળાવીરા ૧પ૦ કીમી છે.એકલ બાંભણકા માર્ગ ઝડપથી બનશે તો આ અંતર પ૦ ટકા ઘટી જશે. અહી વીજળી માટે સબસ્ટેશન મંજુર થયેલ હોવાનુ મનાય છે, જે પણ ઝડપથી કામ શરૂ કરવામ આવે તે જરૂરી બન્યુ છે. ધોળાવીરામાં પીવાના પાણીની સૌથી મોટી પીડા સતાવી રહી છે આ માટે પણ ઝડપભેર આયોજન ઘડાય અને અમલી બનાવાય.પુરાતત્વ, પ્રવાસન અને સંશોધનના ત્રિવેણી સંગમ સમાન ધોળાવીરાને પ્રાથમિક સુવિધાઓથી સરભર કરવુ જ પડશે. અહી પહોચવા માટેના રોડ-રસ્તાના કામો ઝડપી બનવે, વીજળી – પાણી – ગેસ્ટહાઉસ – હોટેલો જેવી સુવિધાઓ પણ વેળાસર વિકસે તે માટે પણ એક રાજયકક્ષાના મંત્રી અને એક સચિવસ્તરના અધિકારીની સેવાની તાતી જરૂરીયાત રહેશે. આ બન્નેની નિયુકિત થાય જેના નીચે કચ્છમાં વહીવટી અને રાજકીય લોકોની પણ સમીતી બને. જેની સમીક્ષા બેઠક પખવાડીયે યોજાય, સંકલન થાય અને તેનુ કામ કરનારાઓને ગતી આણવા માટે જરૂરી દીશા-નિર્દેશોઆપવામાં આવે તો જ ધોળાવીરાને વિશ્વ વિરાસતની મળેલી ઓળખનો સાચો ફાયદો ખડીર પંથક-કચ્છને મળતો થાય.

યુનેસ્કોની જાહેરાત બાદ આ તમામ કામો ઝડપથી
રાજય સરકારે ધરવા જોઈએ હાથ…!
• ઘડુલી-સાંતલપુર માર્ગના પ્રથમ ફેઝના ખાવડા-બાંભણકા માર્ગને ઝડપથી સક્રીય બનાવાય
• એકલ-બાંભણકાનો ધોરીમાર્ગ ઝડપથી આગળ ધપે : તો ધોળાવીરા-ભચાઉ વચ્ચેનું અંતર ઘટે
• ચિત્રોડથી ધીળાવીરા માર્ગ પણ બનાવો
• ૬૬ કેવી મંજુર થયેલ વીજસબસ્ટેશનનું ઝડપથી કામ શરૂ થાય
• પાઈપલાઈનના આયોજનથી ધોળાવીરાને પાણીદાર બનાવાય
• ભરૂડીયાથી નર્મદાની નહેરમાંથી સૌની યોજનાની જેમ પાણી વહેવડાવાય
• દેનાબેંક જેવી ગ્રામીણ બેંકો શાખાઓ ખોલે
• એસબીઆઈ જેવી બેંકો એટીએમ સહિતની સુવિધાઓ આપે
• આ ઉપરાંત એસટી બસો, રેલવે સુવિધા, એરસ્ટ્રીપ, હોટેલ-ગેસ્ટહાઉસ સહિતની માળખાકીય સુવિધાઓનોપણ ઝડપથી કરવો જોઈએ વિકાસ