હવે જિ.પંચાયતમાં કયા મલાઈદાર પદ માટે ખેંચતાણ?

શાસકપક્ષના નેતાનું પદ આમ તો મહત્વકાંક્ષી પદાધિકારીને સાચવવા પુરતું જ કહેવાય છે પરંતુ ભાજપની વિકાસશીલ સરકારમાં જિલ્લા પંચાયત હસ્તક વિવિધ સમિતીઓમાં થતા લાખો-કરોડોના કામોના ધમધમાટ વખતે આ પદ બની જાય છે લોટરી સમાન

પાટીદાર/આહિર સમુદાયને મળશે પ્રાથમીકતા કે પછી અસંતુષ્ટો પૈકીનામાંથી કોઈને સચવાશે ?

અત્ર-તત્ર-સર્વત્ર કટકીની પ્રથાને લઈને તો અંગુલીનીર્દેશ થતા જ રહેતા હોય છે ત્યારે તમામે તમામ સમિતીમાંથી શાસકપક્ષના નેતાને ‘કમિશન’ બેઠા બેઠા જમળી જતુ હોવાની છે ચકચાર : આવા મલાઈદાર પદ માટે પક્ષના વિવિધ સક્ષમ ઉમેદવારો-મુરતીયાઓ દ્વારા પોતપોતાના ગોડફાધરો મારફતે લોબીંગ કર્યુ તેજ

 

ગાંધીધામ : તાજેતરમાં જ જિલ્લાની મીનીસંસદ એટલે કે જિલ્લા પંચાયતમા વિવિધ સમિતીઓની વરણી વિવિધ રાજકીય હલચલ અને ડ્રામાઓ બાદ સંપન્ન કરી લેવામા આવી છે. કોણ પ્રમુખ બનશે-કોને કારોબારી ચેરમેન બનાવાશે, બાંધકામ અને સિંચાઈ જેવી સમીતીઓના સુકાની કોણ બની રહ્યા છે તેવી તમામ અટકળો હવે સમી જવા પામી ગઈ છે. તમામ પદો પર સમતોલ રીતે જાતિ-જ્ઞાતી-જુથ સહિતનાઓને બેલેન્સ કરીને નિયુકિતઓ સર્વસ્વીકૃતીથી સંપન્ન કરી લેવામા આવી છે તે દરમ્યાન જ હવે ફરીથી જીલ્લા પંચાયતમાં એક પદને લઈને રાજકીય ખેંચતાણની ચર્ચાઓ તેજ થવા પામી રહી છે.
આ મામલે અંતરંગ વર્તુળોમાં થતી વાત અનુસાર મોટાભાગના ચાવીરૂપ પદો પર નિયુકિત કરી જ દેવાઈ છે તો પછી હવે જીલ્લા પંચાયતમાં કયા મલાઈદાર પદ માટે ખેંચતાણ ચાલી રહી છે? તેવી ચર્ચા પણ જોરશોરથી રાજકીય બેડામાં ઉઠવા પામી રહી છે.હા, મોટાભાગની વરણીઓ તો કરી લેવાઈ છે ત્યારે હવે જિલ્લા પંચાયતમાં શાસકપક્ષના નેતા પદની નિયુકિત બાકી છે જેનું કાઉન્ટડાઉન તેજ બની જવા પામી ગયુ છે. આમ તો આ નિયુકિત પણ પાર પાડી લેવામાં આવત પરંતુ તેમાં પણ “કુતરૂ તાંણે ગામ ભણી સિંહ તાણે સીમ ભણી”નો તા સામે આવ્યો હોવાની સ્થિતીની તેને હાલતુરંત મોકુફ રખાયો હોવાની ચર્ચા છે. રાજકીય બેડામાથી આ અંગે થતી ચર્ચાઓ મુજબ શાસકપક્ષના નેતાનું પદ આમ તો મહત્વકાંક્ષી પદાધિકારીને સાચવવા પુરતું જ કહેવાય છે પરંતુ ભાજપની વિકાસશીલ સરકારમાં જિલ્લા પંચાયત હસ્તક વિવિધ સમિતીઓમાં થતા લાખો-કરોડોના કામોના ધમધમાટ વખતે આ પદ બની જાય છે લોટરી સમાન અને તેથી જ તેના પર આરૂઢ થવા માટે ખેંચતાણ હોય તે સહજ અને સમજી શકાય તેવી વાત છે. અત્ર-તત્ર-સર્વત્ર કટકીની પ્રથાને લઈને તો અંગુલીનીર્દેશ થતા જ રહેતા હોય છે ત્યારે તમામે તમામ સમિતીમાંથી શાસકપક્ષના નેતાને ‘કમિશન’ બેઠા બેઠા જ મળી જતુ હોવાનીચકચારથી આવા મલાઈદાર પદ માટે પક્ષના વિવિધ સક્ષમ ઉમેદવારો-મુરતીયાઓ દ્વારા પોતપોતાના ગોડફાધરો મારફતે લોબીંગ તેજ કર્યુ હોવાનુ ચર્ચાય છે. જો કે, ભાજપ આ પદને માટે પણ જાતી-જ્ઞાતિ, અનુભવ, જુથના પ્રભુતવ સહિતનાઓને ધ્યાનમાં રાખી અને નિયુકિત કરાવાવનું મન બનાવી રહ્યા હોવાનુ મનાય છે.