હવે ગુજરાતના પોલીસતંત્રમાં ધરખમ ફેરફારોના ભણકારા

૬૦ આઈપીએસ અધિકારીઓની બદલીનું લીસ્ટ થઈ ગયુ તૈયાર : જેમાંથી રપ જેટલા એસપીશ્રી તો એક જ સ્થળે-જિલ્લામાં અઢીથી ત્રણ વર્ષ સેવાકાળ વાળા હોવાની સંભાવના : ત્રણ વર્ષનો સેવાકાળ એક સ્થળે નિભાવેલ ડીવાયએસપીશ્રીનો પણ થશે સમાવેશ, અમુક ડીવાયએસપીશ્રી તો ત્રણના બદલે પાંચ-પાંચ વર્ષથી એક જ સ્થળે રહેલા છે સેવારત

પશ્ચીમ કચ્છમાં એસપીશ્રી પદે સેવારત એસપીશ્રીની બદલી માટે ખાણખનિજ માફીયા લોબી થઈ છે સક્રીય, જો કે, આ એસપીશ્રીની કાર્યનિષ્ઠા-ફરજ પ્રત્યેની પ્રમાણિકતા ખાણખનિજ લોબી સામે ભારે પડી જાય તો નવી નવાઈ નહીં

પૂર્વ કચ્છમાં એસપીશ્રીના પદ માટે કઈક જણા ઉભા છે લાઈનમાં : હવે સચિવાલય કક્ષાએ કોણ વહીવટનો ભાર વધુ મુકી શકે છે તેની લાગી શકે લોટરી

ગાંધીનગર : ગુજરાત રાજયના વહીવટીતંત્રમાં તાજેતરમાં જ મોટા ફેરબદલ કરવામાં આવ્યા હતા. રાજય સરકાર દ્વારા ૭૭ જેટલા આઈએએસ અધિકારીઓ જેમાં સનદી અધિકારી ઉપરાંત જિલ્લા કલેકટર, ડીડીઓશ્રીઓનો પણ સમાવેશ કરતી મોટી બદલી-બઢતીના આદેશો વછુટવા પામ્યા હતા.દરમ્યાન જ પ્રાપ્ત થતી વધુ માહીતી અનુસાર વહીવટીતંત્ર બાદ હવે રાજય સરકાર દ્વારા પોલીસતંત્રમાં પણ ફેરબદલનો તખ્તો તૈયાર કરી લીધી હોવાના અહેવાલો સાંપડયા છે. રાજયના પોલીસ બેડામાં આઈપીએસ અધિકારીઓની બદલીઓ કરવાની તૈયારીઓને પણ અંતિમ ઓપ રાજય સરકાર દ્વારા આપી દેવામા આવ્યો છે.આ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજયના આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવનારી છે. આ માટેના સત્તાવાર આદેશો ટુંકમાં જ વછુટી શકે છે. રાજયના ગૃહવિભાગ દ્વારા આઈપીએસની બઢતી-બદલીઓના લીસ્ટને આખરી ઓપ આપી તૈયાર કરી લેવાયા હોવાનુ પણ સામે આવવા પામ્યુ છે. અલગ અલગ રેન્જના ૬ જેટલા આઈજીશ્રીનો પણ બદલીમાં સમાવેશ કરવામાં આવનાર હોવાનુ જાણવા મળી રહ્યુ છે.રાજયના વહીવટીતંત્ર બાદ હવે પોલીસતંત્રમાં પણ બદલીઓના ભણકારાના પગલે આંતરીક ઉત્કંઠાઓ વધી જવા પામી રહી છે.