હવે એસટી બસના ભાડા વધારવા હિલચાલ

  • મોંઘવારી વચ્ચે પડયા પર પાટુ સમાન

ડીઝલના ભાવ વધતા ચર્ચા-વિચારણા શરૂ : છેલ્લા સવા વર્ષમાં કોરોના કાળમાં એસટી તંત્રને કરોડોની ખોટ પડતા પેસેન્જરના ખીસ્સા ખંખેરાશે

(બ્યુરો દ્વારા)ભુજ : કોરોના કાળમાં છેલ્લા સવા વર્ષ દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમને કરોડો રૂપિયાની ખોટ ગઈ છે અને તાજેતરમાં લગભગ દરરોજ ડીઝલના ભાવ વધી રહ્યા હોય ખોટમાં વધારો જોવા મળી રહ્યો છે. તો બીજીતરફ કોરોનાના નિયમ મુજબ ૭પ ટકા પ્રવાસીઓની મંજૂરી હોઈ નિગમને ખોટ જઈ રહી છે. આ ખોટ પુરી કરવા પ્રવાસીઓના ખીસ્સા પર કાતર ફેરવાય તેવી હીલચાલ શરૂ થઈ છે.આ અંગેની વિગતો મુજબ અન્ય રાજ્યોએ નિગમની બસોમાં ભાડામાં વધારો કરવાની તૈયારી આરંભી દીધી છે, ત્યારે ગુજરાત એસટી નિગમે પણ લાંબા સમયથી ખોટમાં ચાલતા એસટી વિભાગને પુનઃ પાટે ચડાવવા ભાડા વધારવાનું ડોઝ આપે તો નવી નવાઈ નહીં કહેવાય.મહારાષ્ટ્રમાં નિગમ દ્વારા એસટી બસ ભાડા વધારવા તૈયારી શરૂ કરાઈ છે. જ્યારે ગુજરાતમાં પણ હિલચાલ શરૂ કરાઈ હોવાનું જાણવા મળે છે.કોરોનાની બીજી લહેર હળવી બનતા એસટીના લોકલ અને એક્સપ્રેસ રૂટો શરૂ તો કરાયા, પરંતુ કોરોનાના લીધે મુસાફરોની સંખ્યામાં તોતિંગ ઘટાડો નોંધાયો હતો. આ મુજબ એસટી તંત્ર અગાઉથી જ ખોટમાં હતું અને તેમાં ડીઝલના ભાવમાં સતત વધારો થતા ખોટ વધી રહી છે. જોકે, હાલ તો જો અને તો ની સ્થિતિ વચ્ચે સમીક્ષા ચાલી રહી છે. ભાડા વધારવા કે નહી ? તે નીતિ વિષયક બાબત હોય અંતિમ નિર્ણય તો સરકાર જ લેશે. પાછલા છ મહિનાના ટુંકા ગાળામાં જ ડિઝલના ભાવમાં પ્રતિ લીટરે રૂા. ૧૦થી પણ વધુનો ઉછાળો આવ્યો છે. આ ખોટમાંથી બહાર નિકળવા એસટી નિગમ પ્રવાસીઓ પર બોજો નાખે તેવી તૈયારી આરંભી દીધી છે.