હરામીનાળામાંથી પકડાયેલ પાક માછીમારો પોલીસને સોપાયા

લખપત : હરામીનાળા વિસ્તારમાંથી બીએસએફએ પેટ્રોલિંગ દરમ્યાન પાંચ રાઉન્ડ ગોળીબાર કરીને ત્રણ બોટ તથા બે પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડી સ્થાનિક પોલીસના હવાલે કર્યા હતા. તો ભાગી છુટેલા અન્ય પાંચ માછીમારોને ઝડપી પાડવા બીએસએફ તથા પોલીસ દ્વારા દરિયામાં કોમ્બીંગ હાથ ધરેલ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બીએસએફની ૭૯ બટાલિયનની ટુકડી ગઈકાલે હરામીનાળા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે વહેલી સવારે પઃ૪૦ વાગ્યાના અરસામાં માછીમારી કરી રહેલ પાકિસ્તાની ત્રણ બોટ નજરે પડતા અને બીએસએફની બોટનો અવાજ સાંભળી નાસી જવાના ઈરાદે પાકિસ્તાની માછીમારો અંધારાનો લાભ લઈ કિચડમાં લપાઈને સરહદ પાર પરત ભાગી જવાની વેતરણમાં હતા તેમને પકડી પાડવા બીએસએફના જવાનોએ પાંચ રાઉન્ડ ગોળીબાર કર્યા હતા અને બે પાક માછીમારોને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય પાંચ જેટલા નાસી છુટ્યા હતા. તેમના પાસેથી ત્રણ બોટ માછીમારીનો સામાન, ડીઝલ મળી આવ્યા હતા. કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ નહી મળતા બીએસએફ દ્વારા પકડાયેલ ત્રણ બોટ કસ્ટમને સોપાઈ હતી અને બન્ને માછીમારોને દયાપર પીએસઆઈ વી.આર. સોનારા સહિતના સ્ટાફે બીએસએફના અધિકારી – કર્મચારીઓ સાથે મળીને નાસી છુટેલા પાંચ માછીમારોને ઝડપી પાડવા માટે હરામીનાળા વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધર્યું હતું.
પકડાયેલ બન્ને માછીમારોની મેડિકલ તપાસણી થયા બાદ વધુ પૂછપરછમાં જેઆઈસીમાં મોકલી અપાશે.