હબાય હત્યા કેસનો એક આરોપી પોલીસ જાપ્તા હેઠળ સારવાર તળે

વધુ ત્રણ આરોપીઓને ઝડપવા પોલીસની કવાયત

 

ભુજ : તાલુકાના હબાય ગામના આહીર સમાજના બે જૂથો વચ્ચે ભુજ- માધાપર હાઈવે પર થયેલી અથડામણમાં એક યુવાનની હત્યા થઈ હતી. જેમા સંડોવાયેલા એક ઈજાગ્રસ્ત આરોપીને પોલીસ જાપ્તા હેઠળ સારવાર માટે ખસેડાયો છે, તો અન્ય ૩ આરોપીઓને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ભુજ-માધાપર હાઈવે પર થયેલી મારામારીની ઘટનામાં બન્ને જુથનાં પાંચેક લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ હિંસક જુથ અથડામણમાં હરી લક્ષ્મણ કેરાસીયા નામના યુવકની હત્યા થઈ હોવાનું જાણવા મળ્યુ હતુ. ત્યારે હત્યામાં સંડોવાયેલા એક આરોપીને ગંભીર ઈજાઓ
પહોચતા સારવાર માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અમદાવાદ રીફર કરાયો છે. જ્યારે અન્ય ૩ આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ઘટનામાં શહેર બી ડિવિઝન પોલીસે સામસામે ફરિયાદ નોંધી હતી, જેમા હરિલાલ હમીરભાઈ ડાંગે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓ હરી કાનજી કેરાસીયા, મોહન હરી કેરાસીયા, પ્રેમજી કાનજી કેરાસીયા, સામજી ભચુ કેરાસીયાએ ઘાટક હથિયારો વડે હુમલો કર્યો હતો. જયારે સામા પક્ષે હરીલાલ કાનજી કેરાસીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ દામજી હમીર ડાંગર, હરી લક્ષ્મણ કેરાસીયા, પરી ગોપાલ કેરાસીયા, માવજી ગોપાલ ડાંગર, પ્રેમજી ડાંગર, નરશી લખમણ કેરાસીયા, પ્રવીણ વાલજી કેરાસીયા સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હત્યા કરનાર એક ઈજાગ્રસ્તને પોલીસ જાપ્તા હેઠળ સારવાર અપાઈ રહી છે જ્યારે નાશી છુટેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.