હબાયમાં રેતી ચોરી મુદ્દે યુવાનની હત્યા

માધાપર હાઈવે પર બે જૂથ વચ્ચે સર્જાયું લોહિયાળ ધિંગાણું : પાંચ ઘવાયા : સામસામે નોંધાઈ ફોજદારી

 

ભુજ : તાલુકાના હબાય ગામે રહેતા આહિર સમાજના સભ્યો વચ્ચે રેતી ચોરી મુદ્દે ચાલતા વિવાદે લોહિયાળ ધિંગાણું સર્જાયું હતું, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જયારે અન્ય પાંચ ઘવાયા હતા. માધાપર હાઈવે પર બનેલી અથડામણથી કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ હરિલાલ હમીરભાઈ ડાંગ (ઉ.વ. ૪ર)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતાં જણાવેલ કે, હત્યા અને હુમલાનો બનાવ ગઈકાલે સવારે ૧૦ઃ૩૦ના અરસામાં માધાપર હાઈવે પર બનવા પામ્યો હતો. આરોપીઓ હરિ કાનજી કેરાસિયા, મોહન હરિ કેરાસિયા, પ્રેમજી કાનજી કેરાસિયા, સામજી ભચુ કેરાસિયા (રહે બધા હબાય, તા. ભુજ)એ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે તેઓ તથા સાહેદો રેતી ચોરી બાબતે અવાર નવાર રજૂઆત કરતા હોઈ આરોપીઓએ ઘાતક હથિયારો ધારણ કરી અલ્ટો કાર નંબર જી.જે. ૧ર ડીએ ૮ર૬પ તથા બોલેરો નંબર જી.જે. ૧ર સી.પી. ૬૮૯૩ વાળામાં રાખી તેઓ તથા સાહેદો પ્રેમજી ધનજી, પ્રેમજી લક્ષ્મણ, ગોપાલભાઈ, હરિભાઈ તથા તેઓ પર છરી, ટાંબી, લાકડીઓ જેવા મારક હથિયારો વડે હુમલો કરી હરિ લખમણ કેરાસિયા (ઉ.વ. ૪ર)ને ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી નાસી છુટયા હતા. જયારે સામા પક્ષે હરિલાલ કાનજી કેરાસિયા (ઉ.વ. ૪૩) (રહે હબાઈ, તા. ભુજ)એ દામજી હમીર ડાંગર, હરિ હમીર ડાંગર, હરિ લખમણ કેરાસિયા, હરિ ગોપાલ કેરાસિયા, માવજી ગોપાલ ડાંગર, પ્રેમજી ડાંગર, નરશી લખમણ કરશન કેરાસિયા, પ્રવીણ વાલજી કેરાસિયા સામે ફોજદારી નોંધાવતા બી ડિવિઝન પોલીસે બન્ને પક્ષે સામ સામે ફોજદારી નોંધી આરોપીઓને ઝડપી પાડવા પીઆઈ વી.કે. ખાંટે તપાસ હાથ ધરી હતી.