હનીફબાવા પઢિયાર અબડાસા વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યા છે ?

નલિયા : અબડાસા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી નોંધપાત્ર મતો મેળવનાર જાયન્ટ કિલર સાબિત થયેલા હનીફ બાવાએ અબડાસા વિધાનસભા વિસ્તારમાં પોતાનું આગવું અસ્તિત્વ ઉભું કર્યું છે. જે બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસને ઉગરવા માટે હનીફબાવા પઢિયારનુ સમર્થન જરૂરી બનતા જિલ્લા કક્ષાએથી તેમને સમજાવવા કોશિશો કરાઇ હતી. અંતે રાજ્ય કક્ષાએથી મોકલવામાં આવેલ પ્રતિનિધી મંડળની માન આપી તેઓ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમીતભાઈ ચાવડાને મળવા સહમત થયા હતા. અને અમદાવાદ જઈ શ્રી ચાવડા સાથે લાંબી ચર્ચા વિચારણાઓ બાદ કોંગ્રેસમાં પરત આવ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અબડાસા અને લખપત તાલુકાની કમાન સંભાળી હતી, જેમાં ટીકીટોની વહેંચણીમાં પણ પોતાના ધાર્યા ઉમેદવારોને ટીકીટો અપાવી ચૂંટણી લડાવી હતી.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની શરૂઆતથી જ તેમણે દાવો કર્યો હતો કે આ વખતે અબડાસા તાલુકા પંચાયત કોંગ્રેસની બનાવશુ જે દાવો સાચો કરવા ઝનૂન પૂર્વક પ્રચાર પ્રસાર કર્યો હતો, જેને પરિણામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં છેલ્લા ૨૫ વર્ષથી કોંગ્રેસથી વેગળી હતી, એ અબડાસા તાલુકા પંચાયત ચાણક્ય નીતિ અને હોંશિયારીથી કોંગ્રેસના ખોળે લાવીને મૂકી દીધી છે. બીજી તરફ લખપત તાલુકા પંચાયત પર પણ કબજો મેળવવાનો યશ પણ સ્ટાર પ્રચારક તરીકે હનીફ બાવાને લોકો આપી રહ્યા છે. નલિયા જિલ્લા પંચાયત અને વાયોર જિલ્લા પંચાયતના ઉમેદવારોને અને લખપત તાલુકાના જિલ્લા પંચાયતના ઉમેદવારોને પણ જીતાડવામાં મહત્વની ભૂમિકા રહી હતી.છેલ્લે અબડાસા તાલુકા પંચાયતના ચૂંટાયેલા કોંગ્રેસના સદસ્યોને તોડ જોડ કરવા અને સતા કોંગ્રેસના હાથમાં જતી અટકાવવા કોંગ્રેસના જ જિલ્લા પંચાયતના મોથાળા બેઠકના હારેલા ઉમેદવાર દ્વારા અબડાસા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યને ગાયબ કરી દેવાતા કોંગ્રેસની છાવણીમાં દોડધામ મચી જવા પામી હતી, ત્યારે એમણે કુનેહ પૂર્વક ગાયબ થયેલા કોંગ્રેસી સદસ્યને પરત લાવી દીધો હતો અને કોંગ્રેસની સત્તા બચાવી લીધી હતી. સફળતા
પૂર્વક અબડાસા તાલુકા પંચાયત કોંગ્રેસની બનાવી, હાલની આ ચૂંટણીમાં ભાનુશાલી અગ્રણી મનજી બાપાનુ સમર્થન અને ભાજપમાંથી છૂટા પડેલા મહેશોજી સોઢા સાથેનું ગઠબંધન પણ એમની રાજકીય સમીકરણો બદલવાની આવડત છતી થઇ હતી. હાલ પહેલી એપ્રીલ છે ત્યારે આવનારી વિધાનસભા ચુંટણીમાં શું – શું થશે તેવી ચર્ચાઓ વહેતી થઈ ગઈ છે. હવે હોદેદારોની વરણીને જોઈએ તો ક્ષત્રિય, અનુસુચિત જાતિ અને મુસ્લિમ સમાજના સદસ્યોને હોદાઓ આપી સાચવી લીધા છે અને પોતાના અંગત ગણાતા સદસ્યોને હોદાઓ ન આપી રાજકીય કુનેહ વાપરી બળવો ન થાયએ રીતે હોદાઓ આપ્યા છે. ટૂંકમાં હનીફ બાવાની કોંગ્રેસ તરફી કરાઇ રહેલી મહેનત જોતા તેઓ આવનારી વિધાનસભાની ટીકીટ મેળવવાના હોય એવું લાગી રહ્યું છે. પહેલી એપ્રિલ રાજકીય માહોલ ચર્ચા અબડાસા સહિત આખા કચ્છમાં થઈ રહી છે. અબડાસા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને શાસકપક્ષના નેતાની વરણી થયા બાદ ‘કરછ ઉદય’ સાથેની વાતચીતમાં હનીફબાવાને પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે વરણી કરાયેલા હોદેદારો ઉપરાંત તમામ સદસ્યો હળી મળીને તાલુકાના વિકાસ માટે કામ કરશે. કોઈ પણ સદસ્યને હોદાઓ બાબતે કોઈ નારાજગી નથી,જેમને હાલે હોદાઓ આપી નથી શક્યા એમને આવતી ટર્મમા તક આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.