સ્વૈચ્છિક બંધના ગાંધીધામમાં ઉલાળિયાઃ આવામાં કોરોનાની ચેઈન કેમ થશે બ્રેક ?

મોટા ઉપાળે સંકુલને બંધ પાળવાની અપીલ કરવા ગાંધીધામના બની બેઠેલા ઝભ્ભા લેંગાધારીઓ ગઈકાલે નિકળ્યા પણ આચરણ વીનાના વિચારો બેઅસર બને તેમ આ અપીલનો પણ ગાંધીધામમાં ફિયાસ્કો થયાનો વર્તારો..! : આજે કપડાવાળા, મોબાઈલ શોપ, પાનના ગલ્લા પર દેખાઈ બિંન્ધાસ્ત ભીડ : લોકોના ઉમટ્યા ટોળે ટોળા

ગાંધીધામ : કોરોનાની મહામારી ભારત અને ગુજરાતની સાથે કચ્છમાં માજા મુકી છે. રોજબરોજ સંક્રમીતોનો રેકોર્ડ બ્રેક આંકડાઓ બહાર આવવા પામી રહ્યા છે. તંત્ર મહામારીને કાબુ કરવા તમામ બનતા પ્રયાસો કરી રહી છે. તેવામાં બીજી તરફ હવે વિવિધ સંસ્થા અને આગેવાનો દ્વારા પણ સ્વૈચ્છિક બંધનું આગ્રહ કરાઈ રહ્યો છે, જેની કચ્છમાં શિસ્તબદ્ધ, ઠેર ઠેર અમલવારી થવા પામી રહી છે. તો બીજીતરફ પૂર્વ કચ્છના ઔદ્યોગીક સંકુલ ગાંધીધામ વિસ્તારમાં સ્વૈચ્છિક બંધની જાહેરાત જાણે કે માત્ર ઔપચારીકતા જ બની રહી હોય તેમ આજે રવિવારના દિવસે સંકુલમાં સુપર સ્પ્રેડર બની શકે તેવા ધંધાર્થીઓ અને દુકાનદારોએ બંધ રાખવાનું મુનાસીબ ન સમજ્યું હોય તેમ આ દુકાનોમાં આજે મોટા પાયે ગ્રાહકી કરતા લોકોનો ચિંતાજનક ધસારો જોવા મળી આવ્યો હતો. આ મામલે પ્રાપ્ત વધુ વિગતો અનુસાર ગત રોજ ગાંધીધામના બની બેઠેલા રાજકારણી સહિતનાએ સંકુલને શનિ – રવિ બે દિવસ બંધ પાળવા બે હાથ જોડીને અપીલો કરી હોવાની તસવીરો સાથે પ્રેસનોટ ઉજાગર કરાવી હતી. પરંતુ જાણે કે, આ રાજકારણીની બંધ માટેની અપીલ માત્ર તસવીરી જશ ખાટવા પુરતી હોય તેમ આજે સ્વૈચ્છિક બંધની અપીલ બેઅસર જ રહી હોવાનું ચિત્ર જોવા મળ્યું છે. શહેરમાં આવેલી કપડાની દુકાનો, મોબાઈલ શોપ, પાનના ગલ્લા સહિતનાઓ ખુલ્લા જોવા મળી આવ્યા હતા. ગાંધીધામ સંકુલ ઉદ્યોગનગરી તરીકે ઓળખાય છે અને સ્વૈચ્છિક બંધમાં મોટા મોટા ઉદ્યોગો, વેપારીઓએ પોતાની ધંધા, કચેરીઓ, વેપાર સહિતનાને કોરોનાની ચેઈનને તોડવા સ્વયંભુ બંધ પાડી દેખાડયો છે ત્યારે પાનના ગલ્લા અથવા તો આ મોબાઈલ શોપ વાળા એવી તે કઈ આવશ્યક સેવાઓમાં આવે છે કે તેઓ ખુદ તથા અન્યોના જીવના જોખમે આ ધંધા – રોજગારના હાટડાઓ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે.?