સ્વીટી હત્યાકેસમાં પીઆઇ દેસાઇ અને અંજારના ખેડોઈના કિરીટસિંહ જાડેજાના ૧૧ દિવસના રિમાન્ડ

image description

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે તપાસ માટે ૧૦ મુદ્દાઓ રજૂ કર્યા હતાં : બંને આરોપીને અમદાવાદ પરત લઇ જવાયા

અમદાવાદ : વડોદરા જિલ્લાના કરજણ ખાતેની પ્રયોશા સોસાયટીમાં પોતાના ઘેર સ્વીટીબેનનું ગળું દબાવીને ઠંડે કલેજે હત્યા કરવાના ચકચારભર્યા બનાવમાં સ્વીટીબેનના પીઆઇ પતિ એ.એ. દેસાઇ અને પીઆઇને હત્યા બાદ લાશ સગે-વગે કરવામાં મદદ કરનાર કિરીટસિંહ જાડેજાને આજે કોર્ટમાં રજૂ કરી પોલીસે વધુ તપાસ માટે બંનેના ૧૧ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.ઉલ્લેખનીય છે કે તા.૪ જૂનની રાત્રે વડોદરા જિલ્લાના પીઆઇ દેસાઇએ પત્ની સ્વીટીબેન સાથે ઝઘડો થતાં આવેશમાં આવી જઇને સ્વીટીબેનનું ગળું દબાવી હત્યા કરી હતી અને બીજા દિવસે રાત્રે લાશને ભરૂચ-દહેજરોડ પર અટાલી ગામ નજીક એક અવાવરુ બિલ્ડિંગની પાછળના ભાગે સ્વીટીબેનની લાશ સળગાવી દીધી હતી. ઔઉપરોક્ત હકીકત જાહેર થતાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પીઆઇ અજય અમૃતભાઇ દેસાઇ (રહે.પ્રયોશા સોસાયટી, કરજણ તથા સરદાર પટેલનગર, શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે, નારણપુરા, અમદાવાદ, મૂળ ગામ બામોસણા તા.જિ.મહેસાણા) અને પીઆઇને મદદ કરનાર કોંગી અગ્રણી કિરીટસિંહ દોલુભા જાડેજા (રહે. પુષ્ટિદ્વાર સોસાયટી, બાપોદજકાત નાકા પાસે, વાઘોડિયારોડ, મૂળ રહે. મોટી ખેડોઇ, તા.અંજાર, જિલ્લો કચ્છ)ની ગઇકાલે સાંજે
ધરપકડ કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પીઆઇ આજે હત્યાના કેસમાં પીઆઇ દેસાઇ અને તેમના મિત્ર કિરીટસિંહ જાડેજાને લઇને કરજણ આવ્યા હતાં અને બંનેને કરજણ કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી હતી અને પોલીસ દ્વારા રજૂ કરાયેલા રિમાન્ડના ૧૦ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને બંને આરોપીને તા.૬ ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. પીઆઇ દેસાઇ અને સ્વીટીબેનની હત્યામાં મદદ કરનાર કિરીટસિંહ જાડેજાના રિમાન્ડ મળ્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ બંનેને લઇને અમદાવાદ ક્રાઇમ બ્રાંચ
પરત લઇ ગયા હતાં.