સ્વામી વિવેકાનંદ યુવાનોના પ્રેરણામૂર્તિ : વાસણભાઈ આહીર

ભુજની લાલન કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે ઉજવાયો યુવાદિન : શાળા- કોલેજના છાત્રોએ યુવા ગર્જના રેલી યોજીને સ્વામી વિવેકાનંદને આપી અંજલિ

 

ભુજ : આજે ૧રમી જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવાદિન. સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિત્તે ભુજની લાલન કોલેજમાં એબીવીપી દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત કચ્છીમંત્રી વાસણભાઈ આહીરે જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદ યુવાન માટે પ્રેરણામૂર્તિ સમાન છે.
સ્વામી વિવાકાનંદ જયંતી નિમિત્તે ભુજની લાલન કોલેજમાં પ્રથમ સભા યોજાઈ હતી. જેમાં વિવિધ શાળા- કોલેજના છાત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં ઉપસ્થિત રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહીરે યુવાનોને સ્વામી વિવેકાનંદના જીવનમાં પ્રેરણા લઈને દરેક પડકારોનો સામનો કરવા જણાવ્યું હતું. સ્વામી વિવેકાનંદજી યુવાનો માટે એક આઈકોનિક પ્રતિભા છે ત્યારે આજના યુવાનો તેમની ચિંધેલી રાહ પર ચાલીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરી હતી. સ્વામી પ્રદિપ્તાનંદજીએ પણ યુવાદિન નિમિત્તે છાત્રોને સંબોધન કરીને પ્રેરક વકતવ્ય આપ્યું હતું તો કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. સી.બી. જાડેજાએ યુવાનોને એક ચોક્કસ ધ્યેય સાથે આગળ વધવા અપીલ કરી હતી. અને જયાં સુધી ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી યુવાધન સદાય પ્રયત્નશીલ રહે તેવી શીખ તેમણે આપી હતી. તો કંકુબેન ચાવડા તેમજ શૈલેન્દ્રસ્હિં જાડેજાએ પ્રાસંગીક ઉદ્દબોધન કર્યું હતું.
લાલન કોલેજ ખાતે યોજાયેલ સભા બાદ એબીવીપીના નેજા હેઠળ યુવા ગર્જના રેલી યોજાઈ હતી. જેમાં લાલન કોલેજના છાત્રો, મહિલા કોલેજ, ઈન્દ્રાબાઈ હાઈસ્કૂલ, માતૃછાયા હાઈસ્કૂલ ઉપરાંત એનસીસીના કેડેસ સહિતના છાત્રો રેલીમાં જોડાયા હતા. સ્વામી વિવેકાનંદના તૈલચિત્રના રથ સાથે નિકળેલી યુવા ગર્જના રેલીએ શહેરમાં આકર્ષણ જગાવ્યું હતું. લાલન કોલેજથી નિકળેલી રેલી હમીરસર કાંઠે આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસે સંપન્ન થઈ હતી. જયાં સ્વામીજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એબીવીપીના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.