સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે કચ્છની બોર્ડર પર એલર્ટ

સીમા સુરક્ષા દળ દ્વારા વધારવામાં આવ્યો બંદોબસ્ત : જી. એસ. મલિક (ગુજરાત બીએસએફ મહાનિરીક્ષક) : કાશ્મીરમાં હુમલાના નિષ્ફળ પ્રયાસ બાદ ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ એકશન મોડમાં : તમામ બટાલિયન બોર્ડર પર રવાના કરી કોસ્ટલ અને જમીની સરહદ પર ચાંપતી સુરક્ષા

(બ્યુરો દ્વારા)ભુજ : ૧૫મી ઓગસ્ટ પહેલા કચ્છ – ગુજરાતની સરહદ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે બીએસએફ દ્વારા ગુજરાતની પાકિસ્તાનને જોડતી બોર્ડર પર સુરક્ષા વધારવામાં આવી છે. કાશ્મીરમાં હુમલાનો નિષ્ફળ પ્રયાસ બાદ સુરક્ષા વધારવામાં આવી છે. નોંધનીય છે કે, આગામી સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને ભારતના ગુપ્તચર વિભાગે દિલ્હી પોલીસને એલર્ટ કરી છે કે ૧૫ ઓગસ્ટ પહેલા રાજધાનીમાં ડ્રોન હુમલાની આશંકા જણાઈ રહી છે. જમ્મુ અને ઉત્તર પ્રદેશમાં આતંકીઓ હુમલા કરવામાં નિષ્ફળ રહ્યા હોવાથી હવે દેશની રાજધાની દિલ્હીમાં હુમલો કરવાનું કાવતરું રચી રહ્યા છે, ત્યારે સ્વતંત્રતા દિવસ પહેલા દેશની બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.ગુજરાતની સરહદ પર એલર્ટ અંગે ગુજરાત બીએસએફ મહાનિરીક્ષક જી.એસ.મલિકે કચ્છઉદય સાથે કરેલી વાતચીતમાં જણાવ્યાં પ્રમાણે, બીએસએફએ ગુજરાત બોર્ડર પર સુરક્ષા વધારી દીધી છે. આ સુરક્ષા ૧૫મી ઓગસ્ટને પણ ધ્યાને રાખીને વધારવામાં આવી છે. ૧પમી ઓગસ્ટ સુધી કચ્છ સહિત ગુજરાતની બોર્ડર પર એલર્ટ જારી કરીને સુરક્ષા વધારવામાં આવી છે. તેેમના જણાવ્યા પ્રમાણે, હેડ કવાર્ટર પર મિનિમમ સ્ટાફ રાખવામાં આવશે. તમામ બટાલિયન બોર્ડર પર રવાના કરવામાં આવી છે.કોસ્ટલ અને જમીની સરહદ પર સુરક્ષા વધારવામાં આવી છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ બોર્ડરને સુરક્ષિત કરાઈ છે.દેશના ગુપ્તચર વિભાગ અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને ઇનપુટ્‌સ મળ્યા હતા કે, દિલ્હી પર ડ્રોન હુમલો કરાઈ શકે છે. આ ઇનપુટ્‌સને ધ્યાને લઈને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં ઘણા સ્થળોએ અર્ધ સૈનિક દળ તૈનાત કરવામાં આવ્યા છે. ગુપ્તચર વિભાગ તરફથી મળેલા આવા જ
ઇનપુટ્‌સના સમાચારો પણ ૧૪ જુલાઈએ મુખ્યરૂપે પ્રકાશિત થયા હતા. તેમાં જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ દિલ્હી સહિત દેશના મેટ્રો શહેરો સહિત ઘણા શહેરો પર હુમલો કરી શકે છે. આતંકવાદીઓ માનવ બોમ્બ બનાવીને અથવા ટાર્ગેટ કિલિંગ દ્વારા હુમલાને અંજામ આપી શકે છે.નોંધનીય છે કે, દેશમાં આ પ્રકારની ગતિવિધિને જોતા દેશની સુરક્ષા માટે અતિ મહત્વની અને સંવેદનશીલ મનાતી કચ્છની બોર્ડર પર સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરાયો છે. ભૂતકાળમાં પણ કચ્છની દરિયાઈ અને જમીની સીમામાંથી આતંકીઓની ઘૂસણખોરીના બનાવો બની ચુકયા છે. તો વર્તમાને પણ કચ્છની દરિયાઈ સીમા અને ક્રીક વિસ્તારમાંથી ચરસના પેકેટ મળવાના સીલસીલા જારી છે, તેની વચ્ચે કોઈ નાપાક ઘૂસણખોરી ન થાય અને દેશની સુરક્ષાને કયાંય આંચ ન આવે તે માટે સીમા સુરક્ષા દળ બોર્ડર પર એલર્ટ બની ગયું છે. સામાન્ય સંજોગોમાં પણ કચ્છની જમીની સીમા અને દરિયાઈ કાંઠાળ વિસ્તારમાં બીએસએફ, કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત રહેતો હોય છે તેવામાં ૧પમી ઓગસ્ટ નજીક છે અને કાશ્મીર પર થયેલા આતંકી હુમલાના નાકામ પ્રયાસ બાદ સુરક્ષા વ્યવસ્થા વધુ દુરસ્ત અને ચુસ્ત બનાવવામાં આવી છે. કચ્છની બોર્ડર પર એલર્ટ કરીને સુરક્ષામાં વધારો કરાયો હોવાની બાબતને ગુજરાત બીએસએફના ફ્રન્ટીયર આઈજી જી. એસ. મલિકે પણ સમર્થન આપ્યું હતું. અને ૧પમી ઓગસ્ટ સુધી સીમાઓ પર વધુ સતર્કતા પૂર્વક બંદોબસ્ત તૈનાત રહેશે તેવું અંતમાં ઉમેર્યું હતું.