સ્મીમેર મેડિકલ કોલેજ રેગિંગકાંડ : પાંચ ડોક્ટર સસ્પેન્ડ

સુરતઃ સ્મીમેર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં થયેલા રેગિંગ પ્રકરણમાં મુખ્ય જવાબદાર ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના રેસિડેન્ટ ડોક્ટર રાજ પરમાર અને અંકિત ખોળીને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે સાથે આ જ ડિપાર્ટમેન્ટના ત્રણ રેસિડન્ડ ડોક્ટર મીતેષ પટેલ, ધ્વનીલ તારા અને સાલીન શાહે તેમને મદદ કરતા તેમને એક મહિના માટે સસ્પેન્ડ કર્યા છે. અને પાંચેય વિરુદ્ધ રેગિંગ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. એટલું જ નહીં, ઓનલાઇન એન્ટી રેગિંગ સેલમાં ફરિયાદ કરનારો સર્જરી ડિપાર્ટમેન્ટનો રેસિડેન્ટ ડોક્ટર હિતેશ પટેલને લાસ્ટ વોર્નિંગ આપવાની સાથે તેણે હવેથી એચઓડી ડોક્ટર-પ્રોફેસર હિતેન્દ્ર દર્શનની દેખરેખમાં જ કામ કરવા માટેનો આદેશ કરાયો છે. આ નિર્ણય સ્મીમેર હોસ્પિટલમાં મળેલી એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં લેવાયો છે.
મેડિકલ કોલેજના ડીન ડો. કલ્પના દેસાઈને રેગિંગની ફરિયાદ મળતાં તેમણે તરત જ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવાની સાથેસાથે ૫ સભ્યોની કમિટી બનાવી તેમને માત્ર ૨૪ જ કલાકમાં રિપોર્ટ સબમિટ કરાવાનો આદેશ કર્યો હતો. આ મામલે કોલેજનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, રિપોર્ટમાં ઓર્થોપેથિકના રેસિડેન્ટ ડોક્ટર રાજ, અંકિત, મીતેષ, ધ્વનીલ અને સાલીને સર્જરી ડિપાર્ટમેન્ટના રેસિડેન્ટ ડોક્ટર હિતેશ પટેલ સાથે દર્દીને ટ્રાન્સફર કરવા જેવી નજીવી બાબતમાં ગાળાગાળીની સાથે મારામારી કરી દીધી હતી. એટલું જ નહીં, તેમને જાહેરમાં અપમાનિત પણ કરાયો હતો. આ બધી જ ઘટના રેગિંગના કાયદામાં આવતી હતી. રેગિંગ મામલે ડીન ડો. કલ્પના દેસાઇએ વરાછા પોલીસ મથકમાં પાંચેય ડોક્પટર વિરુદ્ધ રેગિંગ મામલે ફરિયાદનોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.