સ્ટેટ જીએસટીના અધિકારીઓ દ્વારા વેપારી કરદાતાઓને હેરાનગતિ કરાતી હોવાની બૂમ

Vector lettering Goods and Services Tax. White letters on a red background.

અધિકારીઓ સ્પોટ વેરિફિકેશન ટાળતા હોવાથી વેપારીઓને જીએસટીના રજિસ્ટ્રેશન નંબર મેળવવામાં
પણ તકલીફ

ભુજ : કેન્દ્ર સરકાર દ્વારા આખા દેશમાં એક કરની યોજનાથી જીએસટીનો કાયદો લાવવામાં આવ્યો હતો, પરંતુ કર્મચારીઓ જૂની ઢબના જ હોઈ વેપારીઓને હાડમારી આ કાયદા પછીયે ઘટવાના બદલે વધી છે. હાલ જીએસટીનું નવું નંબર મેળવવું હોય તો પગના તળિયા ઘસાઈ જાય છે. કોરોના કાળમાં કેટલાક વેપારીઓએ સમયસર જીએસટીના રીટર્ન સહિતની અનેક સમસ્યાઓનો સામનો કર્યો હતો. જીએસટી વિભાગના આળસું કર્મચારી અને અધિકારીઓ દ્વારા નિયમની વિરૂધ્ધ પુરાવા માંગવા અને બહાના બતાવી સ્થળ ચકાસણી નહીં કરવાના લીધે ઘણા વેપારીઓ રજીસ્ટ્રેશન નંબર મેળવવામાંથી વંચિત રહી રહ્યા છે. આ અંગેની વિગતો મુજબ કોરોના મહામારી એ અમુક કર્મચારીઓ માટે એક કામ નહીં કરવાના હથિયાર સમું બની ગયો છે. કોરોનાની બીજી લહેર શાંત પડયાને પણ દોઢ મહિના જેવો સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ કેટલાક કર્મચારીઓ સ્થળ વેરિફિકેશન નહીં કરી રહ્યા હોઈ વેપારીઓ રજીસ્ટ્રેશન નંબર મેળવી શકતા નથી. રજીસ્ટ્રેશન નંબરની અરજીમાં જ્યારે આધાર ઓથોન્ટીકેશન નહીં થતું હોય ત્યારે સ્થળ તપાસ ફરજિયાત છે, પરંતુ કોરોના છે અમારે બહાર જવું હાનિકારક છે. તેથી સ્થળ તપાસમાં અમે ફુરસદે આવીશું એવા ઉડાઉ જવાબ અધિકારી-કર્મચારીઓ આપતા છે. જેના લીધે સ્થળ તપાસનો રીપોર્ટ બહુ મોડો રજૂ કરવામાં આવે છે અને ત્યાં સુધી વેપારીની રજિસ્ટ્રેશન અરજીનો નિકાલ થતો નથી.વળી, રજીસ્ટ્રેશન એમેન્ડમેન્ટ અરજીમાં ધંધાના નામમાં ફેરફાર કર્યા હોય તો ધંધાની જગ્યાના પુરાવા માંગી હેરાન કરવામાં આવે છે. નામ જ બદલાયું હોય ત્યારે ધંધાના જગ્યાના પુરાવા માંગવાનું કોઈ જ લોજિક નહીં હોવા છતાં બિનજરૂરી રીતે વેપારી કરદાતાને હેરાન કરાતા હોવાની બૂમ ઉઠી છે.