સ્ટાર પ્રચારકો ઉમેદવારોના નામજોગ વોટની  અપીલ કરશે તો સભાનો ખર્ચ ઉમેદવારને ચોટશે

ર૮ લાખથી વધુ ખર્ચ થશે તો ઉમેદવારને કરાશે ડિસક્વોલિફાઈડ : ઉમેદવારના ખાતાઓ તેમજ પરિવારના અન્ય બેંક એકાઉન્ટનું કરાશે મોનિટરીંગ

ભુજ : વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ ચરણના ફોર્મ ભરાઈ ચૂકયા છે. આજે ફોર્મની ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે ફોર્મ ભરાયા બાદ જે-તે ઉમેદવારના ખર્ચ પર મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. ફોર્મ પરત ખેંચાયા બાદ તમામ બાકી રહેતા ઉમેદવારો પર સતત વોચ રખાશે અને સ્ટાર પ્રચારકો પણ નામજોગ વોટ માટેની અપીલ કરશે તો તેનો ખર્ચ ઉમેદવારના ખાતામાં ઉમેરાશે. ચૂંટણી ખર્ચે સંદર્ભે માહિતી આપતા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર રેમ્યા મોહને કહ્યું હતું કે, ફોર્મ ભરાઈ ગયા બાદ આગામી ૯મી ડિસેમ્બર સુધી તમામ ઉમેદવારો પર નજર રાખવામાં આવશે. તેમના ખાતા ઉપરાંત તેમના પરિવારજનોના ખાતાની દેખરેખ રખાશે. ઉમેદવાર દ્વારા થતા ખર્ચ પર સતત મોનીટરીંગ કરવામાં આવશે. એટલું જ નહી કોઈ સ્ટાર પ્રચારક દ્વારા કોઈપણ ઉમેદવારના નામજાગ વોટ માટેની અપીલ કરાશે તો તે સભાનો સંપૂર્ણ ખર્ચ ઉમેદવારના ખાતામાં એડ કરાશે. ત્યારે દરેક ચૂંટણી સભાઓમાં વીડિયો શુટીંગ અને વીડિયો વ્યુઈંગની ટીમો બનાવીને વોચ રાખવામાં આવશે. ખર્ચ માટેના ધારા ધોરણો પણ નક્કી કરાયા છે તે મુજબ કામગીરી કરવામાં આવશે અને ર૮ લાખથી વધુનો ખર્ચ પ્રચાર દરમ્યાન કરાશે તો તે ઉમેદવારને ડિસક્વોલિફાઈડ કરવામાં આવશે જેમાં ચૂંટણી કેમ્પેઈન દરમ્યાન સભા, સરઘસ, રેલી, પેમ્પલેટ્‌સ, જમણવાર, બેનર સહિતનો પ્રચાર ખર્ચ ર૮ લાખથી વધી જશે તો ઉમેદવારને ચૂંટણી જંગમાંથી ડિસક્વોલિફાઈડ કરવામાં આવશે. ઉમેદવારો દ્વારા કરાતા ખર્ચનું ઓબ્ઝર્વેશન કરવા માટે વિવિધ ટીમો બનાવાઈ છે. આ ઉપરાંત ખાસ ઓબ્ઝર્વર પણ નિયુક્ત કરાયા છે.