સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત કચ્છની ૪૦ પ્રાથમિક શાળાઓને બનાવાશે મોડલ સ્કૂલ

૧લી ઓગસ્ટના જ્ઞાનશક્તિ દિવસે આ શાળાઓનું કરાશે લોચિંગ : પસંદગી પામેલ સરકારી શાળાઓ ખાનગી સ્કૂલોને ટક્કર મારે તેવી રીતે કરાશે ડેવલપમેન્ટ

ભુજ : હાલમાં સમગ્ર દેશમાં શિક્ષણક્ષેત્રે દિલ્હી મોડલની ભારે ચર્ચા થઈ રહી છે. કારણ કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે રાજ્યમાં સરકારી શાળાઓ પ્રાઈવેટ સ્કૂલોને ટક્કર મારે તેવી સાધન-સંપન્ન બનાવી છે. તમામ સુવિધાઓથી સભર સરકારી શાળાઓને જોઈ દેશના અન્ય રાજ્યોમાં પણ દિલ્હી મોડલને અનુસરવામાં આવી રહ્યું છે. દરમિયાન જ્યારે હવે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે તેવામાં આમ આદમી પાર્ટીએ રાજ્યમાં પ્રચાર શરૂ કર્યો છે તે વચ્ચે હવે ગુજરાત સરકારે પણ રાજ્યની શાળાઓને આધુનિક બનાવવા કામગીરી આરંભી દીધી છે.મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વર્લ્ડ ક્લાસ સ્કૂલોમાં જે રીતે ભૌતિક અને શૈક્ષણિક સુવિધા મળે છે તેવી સુવિધા આપવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ અંતર્ગત મિશન જ્ઞાન શક્તિ યોજના પણ અમલી બનાવાઈ છે. ગામડાઓમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ તો સૌ કોઈને મળી રહ્યે છે, પરંતુ આધુનિક શિક્ષણ આપવા પ્રયાસ કરાયો છે. પસંદગી પામેલી પ્રાથમિક શાળામાં દરેક રૂમોને સ્માર્ટ ક્લાસ બનાવાશે. શાળામાં રમત-ગમતનું આધુનિક મેદાન, સાધનો, કોમ્પ્યૂટર લેબ, દીવાલો પર ભીત ચિત્રો, સંગીતના સાધનો, પુસ્તાકાલય તેમજ હરિયાળુ વાતાવરણ ઊભુ કરવામાં આવશે. જેવી રીતે પ્રાઈવેટ સ્કૂલોમાં ભૌતિક સવલતો વાલીઓની આંખો આંજીનાખે તેવી હોય છે. તેવી ભૌતિક સવલતો આ શાળાઓમાં ઊભી કરવામાં આવશે. મહત્ત્વની બાબત એ છે કે, સ્કૂલ ઓફ એક્સલેન્સ પ્રોગ્રામ અંતર્ગત પસંદગી પામેલી શાળાઓને ખાનગી શાળાને ટક્કર આપે તેવી બનાવા માટે ગુજરાત સરકાર ઉપરાંત વર્લ્ડ બેંક તરફથી પણ સહાય મળતી હોય છે.કચ્છની જો વાત કરીએ તો આ પ્રોજેક્ટ હેઠળ હાલમાં જિલ્લાની ૪૦ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓની પસંદગી થવા પામી છે. પ્રથમ ૧૦૦ દિવસ માટે ર૦ અને બીજા ર૦૦ દિવસ માટે ર૦ પ્રાથમિક શાળાઓની પસંદગી કરાઈ છે. વિજય રૂપાણી સરકારને પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જે અંતર્ગત ‘પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ અને સૌના વિકાસ’ના સૂત્ર અંતર્ગત ૧લી ઓગસ્ટ રવિવારે જ્ઞાન શક્તિ દિવસે શિક્ષણને લગતા કાર્યક્રમો યોજવામાં આવશે. આ દિવસે કચ્છ જિલ્લામાં અન્ય કાર્યક્રમોની સાથે પસંદગી પામેલી આ ૪૦ શાળાઓનું લોચિંગ કરવામાં આવશે. જે બાદ આ શાળાઓને મોડલ સ્કૂલ બનાવવા શિક્ષણ તંત્ર દ્વારા કામગીરી હાથ પર લેવામાં આવશે તેવું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.