સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ૮ જુલાઈથી ઑફલાઈન પરીક્ષા લેવાશે

(જી.એન.એસ.)રાજકોટ,સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અગત્યના સમાચાર મળી રહ્યા છે. આગામી ૮મી જુલાઈથી યુનિવર્સિટી ઑફલાઈન પરીક્ષા યોજશે. આ દરમિયાન યુનિવર્સિટી દ્વારા ઑફર કરાતા વિવિધ અભ્યાસ ક્રમોની ઑફલાઈન પરીક્ષા લેવાશે. સ્નાતક, અનુસ્નાતકની રેગ્યુલર અને એક્સટર્નલ અભ્યાસક્રમની પરીક્ષા શરૂ થશે. આ પરીક્ષામાં ૬૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે.કોરોનાનો કહેર ચાલુ હોય ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ લાગી ગયો હતો, જો કે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષાની તારીખો જાહેર કરી વિદ્યાર્થીઓને રાહત આપી છે. કોરોના ગાઈડલાઈન અંતર્ગત આ પરીક્ષાઓ લેવાશે.કોરોના મહામારીને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા યોજી નહોતી શકતી અને કેટલાક અભ્યાસક્રમોમાં મેરિટ બેઝ પ્રમોશન આપી દીધું હતું, અંડર ગ્રેજ્યુએટના સેમેસ્ટર ૨ અને ૪ના વિદ્યાર્થીઓને પ્રમોશન આપી આગેલા સેમેસ્ટરમાં મોકલી આપવાની વ્યવસ્થા કરી હતી, પરંતુ સ્નાતક વિદ્યાર્થીઓના સેમેસ્ટર ૬ની પરીક્ષાઓ બાકી રહી ગઈ હતી, અને અનુસ્નાતકના સેમેસ્ટર ૨ અને ૪ના વિદ્યાર્થીઓની પરીક્ષા બાકી રહી ગઈ હતી. એક્સટર્નલમાં ભણતા વિદ્યાર્થીઓ માટે પણ પરીક્ષા યોજી શકાઈ નહોતી. એટલે આવનારા દિવસોમાં આવા વિદ્યાર્થીઓની ઑફલાઈન પરીક્ષાઓ યોજાશે.