સૌરાષ્ટ્ર – કચ્છમાં દિવાળીએ અંધારા પથરાશે કે કેમ ? : સૌ સંબંધિતોનું મૌન !

ભુજ : કોલસાની અછતથી ઇલેક્ટ્રિસિટીની સપ્લાય પ્રભાવિત થવાની આશંકા છે. સમગ્ર સૌરાષ્ટ્ર પણ આ મામલે ચિંતિત છે અને લોકોના મોઢે ચર્ચા ચાલી રહી છે કે દિવાળીના તહેવારમાં સૌરાષ્ટ્ર – કચ્છમાં કોલસાની અછતથી અંધારા ઉતરશે કે રોશનીનો ઝગમગાટ કાયમ રહેશે ? જાેકે આ મામલે પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ પણ નક્કર ખાતરી આપી શકે એમ નથી.

કોલસાની અછતની સ્થિતિ કેટલી ગંભીર છે અને તેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ કાપ લાગુ પડશે કે કેમ ? તે મામલે પશ્ચિમ ગુજરાત વીજ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ઠિરેક્ટર ધિમંતકુમાર વ્યાસે જણાવ્યું હતું કે, ગુજરાત ઊર્જા વિદ્‌ુત નિગમ લિમિટેડ (વડોદરા) પીજીવીસીએલને વીજ પુરવઠો પૂરો પાડે છે. વીજળીનાં ઉત્પાદનની સ્થિતિ જીયુવીએનએલ જ જણાવી શકે. પીજીવીસીએલનું કામ જીયુવીએનએલ પાસેથી વીજળી મેળવી રહેણાક, વ્યાવસાયિક, કૃષિલક્ષી, ઔદ્યોગિક હેતુસરના ગ્રાહકોને વીજળી પૂરી પાડવાનું કામ છે.

તેમણે ઉમેર્યું હતું કે પીજીવીસીએલ હાલ વીજ ચોરી ડામવા સતત દરોડા પાડી રહી છે. સાથે જ વીજ લોસ ઘટાડવા પરત્વે પણ એડીચોટીનું જાેર લગાવી રહી છે. જાેકે ઉત્પાદિત વીજળીનો સંગ્રહ કે સ્ટોક થઈ શકતો નથી. માટે વીજ ચોરી કે વીજ લોસને કારણે વીજળીની અછત ઉભી થાય એવો તર્ક સીધી રીતે બંધબેસતો નથી.

પીજીવીસીએલનાં સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ આ મામલે સરકાર અને સંબંધિત અન્ય તંત્ર ફોડ પાડતા નથી અને સમગ્ર સ્થિતિ ગુપ્ત રાખવામાં આવી રહી છે. જાેકે પરિસ્થિતિ મેનેજ થઈ જાય તો વીજ કાપની સ્થિતિ નહીં આવે એવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે દિવાળી રોશનીનું પર્વ છે. હાલમાં દીવડા સાથે જ ઇલેક્ટ્રિક રોશનીનું ચલણ વધ્યું છે. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની શોર્ટેજ સાથે વીજળીના વાંકે ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ હતી ત્યારે વર્તમાન સમયમાં જીવન આવશ્યક બની ચૂકેલી વીજળીની શોર્ટેજ ઉભી ન થાય તેવી પ્રાર્થના જનસામાન્ય કરી રહ્યું છે.