સૌરાષ્ટ્રમાં મેઘાની અનરાધાર મહેર : ત્રણ જિલ્લાના ૧૧ તાલુકામાં ૪ થી ૬ ઈંચ વરસાદ

ગાંધીનગર : દક્ષિણ ગુજરાતને ધમરોળ્યા બાદ હવે મેઘરાજા સૌરાષ્ટ્રમાં મન મુકીને વરસવા લાગ્યા છે. છેલ્લા ર૪ કલાકમાં જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના કુલ ૧૧ તાલુકામાં પાંચ થી ૬ ઈંચ જેટલો વરસાદ થતાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. તો કેટલાક વિસ્તારોમાં આવેલી નદીઓમાં ઘોડાપુર આવવા પામ્યા છે.
રાજયપુર નિયંત્રણ કક્ષાના સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે સાત વાગ્યે પુરા થતાં છેલ્લા ર૪ કલાક રાજ્યમાં થયેલ વરસાદના આંકડા મી.મી.માં આ પ્રમાણે છે. જેમાં જુનાગઢ જિલ્લાના ભેસાણમાં ૧પર મી.મી., જુનાગઢ શહેરમાં ૧૧૭ મી.મી., વંથલીમાં ૧૧ર મી.મી., જેટલો વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં ૧૧૪ મી.મી., કોડીનારમાં ૧૯પ મી.મી., ઉનામાં ૧૪૩ મી.મી., જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે અમરેલી જિલ્લાના બગસરામાં ૧પ૯ મી.મી., જાફરાબાદમાં ૧૧૭ મી.મી., રાજુલામાં ૧પ૪ મી.મી., સાવરકુંડલામાં ૧ર૪ મી.મી., વડીઆમાં ૧૭૯ મી.મી., જેટલો વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, ડાંગમાં મેઘરાજાની અનરાધાર મહેર ચાલુ રહેતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો છે.
આજે દિવસ દરમ્યાન રાજ્યના ૮૧ તાલુકાઓમાં સવારે આઠથી દસ વાગ્યા દરમ્યાન ૧ મી.મી., ૧ર૩ મી.મી., જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે. જુનાગઢના માળીયામાં ૧ર૩ મી.મી., એટલે કે પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે.