સૌએ સાથે મળીને ગુજરાતને શિક્ષણમાં આગળ લઇ જવું છે : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

રાજય સરકારે સ્માર્ટ કલાસ રૂમ થકી શાળાઓમાં ટેકનોલોજીથી સજજ શિક્ષણ વ્યવસ્થા ઉભી કરી છે –મુખ્યમંત્રીશ્રી :અંજાર તાલુકાના સતાપર ગામે આહિર સમાજ સંચાલિત શ્રી ગોવર્ઘન આહીર કન્યા વિદ્યા સંકુલનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રી : સતા૫રમાં આહિર સમાજની દીકરીઓ માટે શિક્ષણનો સેવાયજ્ઞ શરૂ કર્યો છે- રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના સતા૫ર ગામે કચ્છ પાટણ પ્રાથરીયા આહિર સમાજ સંચાલિત શ્રી ગોવર્ઘન આહિર કન્યા વિદ્યા સંકુલનું લોકાર્પણ કર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ સંકુલનું લોકાર્પણ કરી શાળામાં દિકરીઓ માટે જુદી-જુદી શૈક્ષણિક વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી જણાવ્યુ હતું કે, સૌએ સાથે મળીને શિક્ષણમાં ગુજરાતને હજુ વઘુ આગળ લઇ જવું છે. ગુજરાતના વિદ્યાર્થીઓ કયાંય પાછા ન પડે અને દુનિયા સાથે આંખમાં આંખ મિલાવીને શિક્ષણ માટે સક્ષમ બને તે માટે ગુજરાત સરકાર કામ કરી રહી છે.        મુખ્યમંત્રીશ્રીએ આહિર સમાજના કન્યા કેળવણીના સેવાયજ્ઞને બિરદાવીને કહયુ કે, કન્યા કેળવણી થકી આપણે ગુજરાતની ભાવી પેઢીને ઉજજવળ કરવી છે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ બેટી બચાવો -બેટી ૫ઢાવોના સુત્રને સાર્થક કરવુ છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને શિક્ષણનું હબ બનાવવું છે તેમ જણાવીને વઘુમાં ઉમેર્યુ  હતું કે, ગુજરાતની સરકારી શાળાઓમાં સ્માર્ટ ડીઝીટલ કલાસ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. ૯ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવ્યા છે. આ તકે મુખ્યમંત્રીશ્રીએ આહિર સમાજના આ સંકુલમાં સ્માર્ટ કલાસ રૂમ બનાવવા સુચન કર્યુ હતું.

આ તકે રાજય મંત્રીશ્રીએ વાસણભાઇ આહિરે જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે સમાજના શૈક્ષણિક હેતુ માટેના કાર્યમાં ઝડપી તત્પરતા દાખવી છે. કચ્છ પાટણના પ્રાથરિયા આહિર સમાજ દ્રારા સતાપરમાં મોટું સંકુલ ઉભુ થયુ છે. જયાં દિકરીઓ શિક્ષણ મેળવી પ્રગતિ કરશે. મુખ્યમંત્રીશ્રીએ સમય ફાળવીને સમાજના શિક્ષણના કાર્ય માટે હાજરી આપી તે માટે તેઓનો આભાર માન્યો હતો.

કાર્યક્રમના પ્રારંભે શ્રી ત્રિકમદાસજી મહારાજે સૌનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું. તેઓએ જણાવ્યુ હતું કે, સંકુલમાં ૧૫૦૦ દિકરીઓ માટે રહેવાની અને ૨૫૦૦ દિકરીઓ માટે ભણવાની વ્યવસ્થા છે. આ કાર્યક્રમમાં રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર અને શૈક્ષણિક સંકુલના ભૂમિદાતા શ્રી વાસણભાઇ વીસાભાઇએ તેમજ ટ્રસ્ટી તથા અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રીનું આગવું સ્વાગત કર્યું હતું.    

આ પ્રંસગે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પારુલબેન કારા, ઘારાસભ્યશ્રી સર્વેશ્રી  ડો. નીમાબેન આચાર્ય,શ્રી  વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રી પ્રદયુમનસિંહ જાડેજા, શ્રી માલતીબેન મહેશ્વરી અગ્રણીશ્રી દિલીપભાઇ ત્રિવેદી તેમજ કલેકટરશ્રી પ્રવિણા.ડી.કે, જિલ્લા વિકાસ અઘિકારીશ્રી ભવ્ય વર્મા સહિતના અઘિકારીઓ તેમજ આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.