સોમવારથી કચ્છની ૪૮૦ શાળાઓ વિદ્યાર્થીઓના આવાગમનથી બનશે ‘ચેતનવંતી’

ધોરણ-૧રની સ્કૂલો શરૂ થયા બાદ સોમવારથી ધોરણ- ૯,૧૦ અને ૧૧ના વર્ગોનો થઈ રહ્યો છે આરંભ : ઓનલાઈન શિક્ષણથી ત્રસ્ત બનેલા વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં શાળા શરૂ થવાની ખુશી

ભુજ : કોરોનાકાળમાં છેલ્લા દોઢ વર્ષથી ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે. દિવાળી બાદ શાળા શરૂ થઈ અને માંડ મહિનો થયો ત્યાં બીજી લહેરે ઉથલો મારતા ફરી વિદ્યાર્થીઓ માટે શાળાને તાળા મારી દેવાયા હતા. હવે જયારે તમામ પ્રકારના નિયંત્રણો હટી ગયા છે ત્યારે શાળા – કોલેજો માટેના નિયંત્રણો પણ હટાવી લેવાયા છે. અગાઉ ધોરણ-૧રની શાળા શરૂ કરવાની મંજુરી અપાયા બાદ હવે સોમવારથી કચ્છ સહિત રાજ્યમાં ધો. ૯,૧૦ અને ૧૧ની શાળાઓ પણ શરૂ થઈ રહી છે. મહત્વની બાબત એ છે કે કચ્છમાં અંદાજે ૪૮૦ જેટલી શાળાઓ સોમવારથી વિદ્યાર્થીના આવાગમનથી ચેતનવંતી બનશે. જેમ બગીચામાં ફુલ કરમાઈ જાય અથવા છોડ બળી જાય તો બગીચો વેરાંન લાગે છે તેમ વિદ્યાર્થીઓ વગરની શાળા સૂમસામ બની ગઈ હતી. જે હવે ફરી વિદ્યાર્થીઓના કિલ્લોથી ગુંજી ઉઠશે.
આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાનદાસ પ્રજાપતિએ જણાવ્યું કે, સોમવારથી ધોરણ ૯, ૧૦ અને ૧૧ની શાળાઓમાં પ્રત્યેક્ષ શિક્ષણ કાર્ય શરૂ થઈ રહ્યું છે. શાળાએ આવવા માંગતા વિદ્યાર્થીઓએ વાલીઓ પાસેથી લેખિતમાં સંમતિપત્રક ભરી શાળાએ જમા કરાવવાનું રહેશે. આ માટે શાળાઓને સૂચના આપી દેવાઈ છે.વર્ગખંડમાં પ૦ ટકાની મર્યાદામાં વિદ્યાર્થીઓને બોલાવાશે. જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ૧૮પ સરકારી શાળાઓ, ૮પ ગ્રાન્ટ ઈન એડ શાળાઓ તેમજ ર૦૦ જેટલી ખાનગી શાળાઓ આવેલી છે. તમામ શાળાઓને કોવિડ એસઓપીના પાલન માટે તાકીદ કરાઈ હોવાનું જણાવ્યું હતું.અત્રે નોંધનીય છે કે ઓનલાઈન શિક્ષણથી સૌ કોઈ ત્રસ્ત બની ગયા હતા. એક તો મિત્રો એક બીજાને મળી શકે નહીં બીજીતરફ માસ્તર ભણાવે તે મગજમાં ઉતરે નહીં. ઉપરથી બોર્ડના વર્ગ હોય જેથી માસ્તરોને પણ પોતાના વિદ્યાર્થીઓની ચિંતા હોઈ પરંતુ ઓનલાઈન શિક્ષણના કારણે બાળકને જોઈએ તેટલું શિક્ષણ આપી શકાતું ન હતું. જેથી સૌ કોઈ શાળા શરૂ થવાની વાટ જોઈને બેઠા હતા. હવે જયારે શાળા શરૂ થઈ રહી છે, ત્યારે ફરી શિક્ષણની ગાડી પાટા પર ચડશે.