સોમનાથમાં ઘુઘવાયો માનવ સાગર : ડમરૂ-શરણાઇના નાદ સાથે નિકળી પાલખીયાત્રા

અમદાવાદ : મહાશિવરાત્રિને લઈને ૧૨ જ્યોર્તિલિંગમાં પ્રથમ ક્રમ મેળવનારા સોમનાથ મહાદેવના મંદિરે પણ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રિ પર વહેલી સવારે ચાર વાગ્યે મંદિરના કમાડ ખુલી ગયા હતા. તેમજ શ્રદ્ધાળુઓ જય સોમનાથનો નારો બોલાવ્યો હતો. જે બાદ સવારે છ વાગ્યાથી પ્રાતઃ આરતીનો પ્રારંભ થયો અને સાત વાગ્યે આરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.
મહાશિવરાત્રિ પર સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં પાલખી યાત્રા નીકળી હતી. ડમરુ,શરણાઈના નાદ સાથે નીકળેલી પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.તેમજ પાલખી યાત્રા દ્વારા મંદિરની પ્રદક્ષિણા કરાવવામાં આવી હતી. સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રિ પર દેશભરમાંથી માનવ મહેરામણ ઉમટી પડ્‌યુ છે. ત્યારે સોમનાથ મંદિરે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે. સોમનાથ મહાદેવના મંદિર પરિસની બહાર પણ સઘન સુરક્ષા ગોઠવી દેવાઈ છે.સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશ્વરાત્રિ પર ધ્વજા રોહણ કરવામાં આવી હતી. ધ્વજારોહણ પહેલા ધ્વજાની પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી. ધ્વજાની પૂજામાં શ્રદ્ધાળુઓએ જોડાઈને ધન્યતા અનુભવી હતી. બાદમાં શિવધૂન સાથે ધજાને લઈ જવામાં આવી. અને સોમનાથ મહાદેવના જયઘોષ સાથે ધ્વજારોહણ કરવામાં આવી. આ સમયે સીએમ વિજય રૂપાણીના પત્નિ અંજલીબહેન રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પણ ધ્વજારોહણ બાદ ધ્વજાને નમન કર્યા હતા.આ સાથે જ પાલખી યાત્રામાં રહેલી ભગવાન શિવની પ્રતિકૃતિને પણ શિશ ઝુકાવ્યુ હતુ.