સોમનાથના દર્શન કરી ૨૫મીએ ‘બાપુ’ કરશે રાજકીય ધડાકા!!

પ્રથમ નોરતે શકિતપીઠના દર્શન કરીને બાપુ પત્રકાર પરિષદમાં જાહેર કરશે ચોખ્ખો અને ચણાક રાજકીય એજન્ડા ! શંકરસિંહજી વાઘેલાએ અંગત સમર્થકોને સ્પષ્ટ કહી દીધુ કે હવે તો ‘યુદ્ધ એ જ કલ્યાણ : કરશે રાજકીય ધડાકા-ભડાકા

 

ગાંધીનગર : કોંગ્રેસને પોતાનાથી મુકત કરી પોતે પણ કોંગ્રેસ મુકત થયા બાદ ચુપકીદી સેવી લેનાર શંકરસિંહજી વાઘેલા અંગે જોમ-જુસ્સા અને એ જ તરવરાટ સાથે રાજકીય ધડાકા-ભડાકા કરવાની વેતરણમાં હોવાના સ્પષ્ટ નિર્દેશો મળે છે. પ્રથમ નોરતા એ બાપુ કોઈપણ એક શકિતપીઠના દર્શન કરીને પ્રેસ કોન્ફરન્સમાં ચોખ્ખો અને ચણાક રાજકીય એજન્ડા જાહેર કરશે. ૨૫મીએ વાઘેલા સોમનાથ દાદાના ચરણે શીશ ઝુકાવી આશિર્વાદ લઈ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજી રાજકીય ધડાકા-ભડાકા કરશે.
સૌરાષ્ટ્રમાં શંકરસિંહજી વાઘેલા સોમનાથ મહાદેવ તથા દ્વારકા ખાતે કાળીયા ઠાકરના આશિર્વાદ લેશે અને નવરાત્રી દરમ્યાન રાજ્યના અલગ અલગ મંદિરો તથા યાત્રાધામ ખાતે દર્શન અને આશિર્વાદ લઈને એક નવી ઈનીંગ્ઝનો પ્રારંભ કરશે અને હવે તો યુદ્ધ એ જ કલ્યાણની ઘોષણા કરશે. ગુજરાતમાં જન-વિકલ્પની તૈયારી તો ઘણા સમયથી આદરી દેવાઈ છે પરંતુ શ્રાદ્ધના પિતૃતર્પણના કાર્યો લઈ રાજકીય દુશ્મનોના વેરના વટક વાળવાનો મોરચો માંડવામાં આવશે.
બાપુના નિકટતમ વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ આજે અથવા કાલે બાપુના નોરતાના નવલા દિવસો દરમ્યાનના યાત્રા-દર્શનનો કાર્યક્રમ નક્કી થઈ જશે. આ નોરતા પર્વ દરમ્યાન બાપુ ભવ્ય તીર્થધામોના દર્શન બાદ ત્રણ થી ચાર જગ્યાએ પ્રેસ કોન્ફરન્સ સહિતના કાર્યક્રમો યોજશે. જાણવા મળતી વિગતો મુજબ ગુજરાતમાં એક મોટા ત્રીજા મોરચાના મંડાણ થવાઈ જઈ રહ્યા છે. જન-વિકલ્પ મોરચાને બાપુના જ આશિર્વાદ અને દોરી સંચાર હોવાની સ્પષ્ટ છાપ  ઉપસી રહી છે ત્યારે બાપુ પ્રથમ નોરતાએ જ બધુ ‘દુધનુ દૂધ અને પાણીનું પાણી’ કરી દેશે. બાપુ સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ અને દ્વારકામાં દ્વારકાધીશ સમક્ષ માથુ ઝુકાવીને એક રાજકીય હાકલ કરશે. હજુ દ્વારકાના કાર્યક્રમ અંગે તારીખ નક્કી નથી પરંતુ ૨૫મીએ એટલે કે પાંચમા નોરતે સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા-અર્ચન કરી રાજકોટ આવશે અને રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સમાં બાપુ રાજકીય ધરતીકંપ સર્જશે. કોંગ્રેસને મુકત કર્યા બાદ બાપુએ અજ્ઞાતવાસ દરમ્યાન ઘણુ હોમવર્ક કરી લીધાનું અને ગુજરાતમાં એક મજબૂત ત્રીજુ ધરી રચવામાં કાર્યરત હોવાના નિર્દેશો પણ મળી રહ્યા છે.
શ્રાધ્ધના દિવસો પૂર્ણ થતા જ ગુજરાતના રાજકારણમાં તદ્દન નવા જ સમીકરણો રચશે. હાલ બાપુ સંખ્યાબંધ કદાવર અને તાકાતવર રાજકીય અગ્રણીઓના સંપર્કમાં હોવાનું જાણ વા મળે છે. એક એવા સમાચાર પણ મળે છે કે બાપુએ છેલ્લા છ માસથી એક મજબૂત ‘થીંક-ટેન્ક’ને કામે લગાડી હતી અને સાંપ્રત  પરિસ્થિતિમાં લોકોને સ્પર્શતા પ્રશ્નો, સમસ્યાઓના નિરાકરણ માટેનો ‘તોડ’ કાઢવા મથામણ આદરી હતી. બાપુ પ્રથમ નોરતે રાજકીય ધડાકા-ભડાકા કરે તેમા અમુક મોટા માથાઓને પણ જન-વિકલ્પ કે ત્રીજા મોરચામાં સહભાગી તરીકે જોડે તેવા અણસાર મળી રહ્યા છે. બાપુએ સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ પણ ખૂબ જ વ્યવસ્થિત રીતે નજર દોડાવી હોવાનું અને અમુક ‘સીટો’ અંકે કરવા અંગે ઘણા સમયથી કવાયત આદરી હતી અને રાજકોટની ૨૫મીની પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેના પણ ધડાકા થવાની શકયતાઓ છે. હાલ તો બાપુના પ્રથમ નોરતાથી આદરવામાં આવનાર મહારાજકીય પ્રયાણ તરફ સૌની નજર તંકાઈ છે.