(જી.એન.એસ.)અમદાવાદ,રાજ્યમાં આગના બનાવો અટકવાનું નામ નથી લઇ રહ્યા. એક પણ અઠવાડિયું ખાલી નથી જતું કે, જેમાં રાજ્યમાં કોઇ જગ્યાએ ભીષણ આગ ના લાગી હોય. સરકારની ફાયર સેફ્ટીની મોટી મોટી વાતો છતા તે દિશામાં કોઇ નક્કર કામગિરી જોવા મળતી નથી. તેવામાં અમદાવાદમાં ગઇ કાલે રાત્રે વધારે એક આગનો બનાવ બન્યો હતો.શહેરના નરોડામાં આવેલા સેજપુર બોધા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ગત મોડી રાત્રિએ ભીષણ આગ લાગી હતી. આ ફેક્ટરીમાં શાહી બનતી હતી. શુક્રવારે રાત્રે ૩ઃ૧૫ વાગ્યે આગ લાગી હતી, જેણે ભીષણ સ્વરુપ ધારણ કર્યુ હતું. આગ એટલી ભીષણ હતી કે તેને કાબૂમાં લેવા માટે ૩૧ ફાયરના વાહનો સ્થળે પહોંચ્યા હતા.આ સિવાય ફાયરના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર અધિકારીઓ સહીત ફાયર જવાનોએ આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. જે દરમિયાન ત્રણ ફાયર જવાન જખ્મી થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગ ઉપર કાબુ લેવા ફાયર રોબોટની પણ મદદ લેવામાં આવી હતી. સદ્ભાગ્યે આ આગમાં હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.