સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ધો.૧૧માં પ્રવેશ ન અપાતા એબીવીપીનો વિરોધ

(જી.એન.એસ.)જામનગર,જામનગર શહેરની મિશનરી શાળા સેન્ટ ઝેવિયર્સ સ્કુલ દ્વારા ધોરણ ૧૦ માં પોતાની શાળામાં જ પાસ થયેલ વિદ્યાર્થીઓને ધોરણ ૧૧ માં પ્રવેશ ન અપાતા એબીવીપી દ્વારા શાળા ખાતે સુત્રોચ્ચાર કરી પ્રિન્સીપાલને આવેદનપત્ર પાઠવી હોબાળો મચાવવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કોરોના મહામારીમાં ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન તો આપી દેવામાં આવ્યું, પરંતુ જે બાબત નો ડર હતો તે બાબત હવે સામે આવી રહી છે અને ધોરણ ૧૦ માં માસ પ્રમોશન અપાતાં ૧૦૦ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા બાદ હવે ધોરણ ૧૧ માં પ્રવેશ કઈ રીતે મેળવવો તે પણ મોટો પ્રશ્ન શાળા સંચાલકો માટે થઇ રહ્યો છે, ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જામનગર શહેરની મિશનરી શાળા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે પણ જોવા મળ્યું છે.જામનગરની મિશનરી શાળા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ દ્વારા પોતાની શાળામાં અભ્યાસ કરતા ૩૨ જેટલા વિદ્યાર્થીઓને ધોરણ ૧૦માં પાસ થયા બાદ ધોરણ ૧૧ માં પ્રવેશ ન અપાતા એબીવીપી દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કરી તેમજ શાળાના પટાંગણમાં સૂત્રોચ્ચાર કરી તથા પ્રિન્સિપાલને આવેદનપત્ર પાઠવી શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે હોબાળો મચાવવામાં આવ્યો હતો.જયારે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા જણાવ્યા મુજબ દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મેરીટના આધારે જ શાળાની ક્ષમતા પ્રમાણે વિદ્યાર્થીઓને ધોરણ ૧૧ માં પ્રવેશ આપવામાં આવ્યો છે…જેથી પ્રવેશ પ્રક્રિયામાં કોઇ અન્યાય કરવામાં આવ્યો નથી, જ્યારે એબીવીપીની રજૂઆતના પગલે આવતા વર્ષે તેમની રજૂઆત મુજબ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.