સેનેટાઇઝર ચાલુ ગેસ પર પડતા ભડકો થયોઃ મહિલાનું મોત

(જી.એન.એસ.)અમદાવાદ,અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણને રોકવા માટે લોકો સાવચેતીના ભાગરૂપે સેનેટાઇઝર, માસ્કનો પણ ઉપયોગ કરી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદમાં એક અનોખી ઘટના બની હતી. અમદાવાદમાં સેનેટાઇઝર ચાલુ ગેસ પર પડતા ભડકો થયો હતો જેને કારણે મહિલા સળગી જતા તેનું મોત થયુ હતુ.અમદાવાદમાં ૨૫ વર્ષના જયશ્રી બેન લુહાર નવા નરોડા વિસ્તારમાં મનોહરવિલા ચાર રસ્તા પાસે આવેલા શ્યામલ પાર્ક સોસાયટીમાં રહે છે. તે ૨૯મીના રોજ રાતના ૧૧ વાગ્યે પોતાના ઘરમાં દૂધ ગરમ કરતા હતા. આ દરમિયાન ગેસ ઉપર બાજુમાં મુકેલી ખાંડની બરણી લેવા જતા બાજુમાં સેનેટાઇઝરની બોટલ હતી તે સીધી ગેસ ઉપર પડી હતી. જે બાદ અચાનક ભડકો થયો હતો. આ ભડકાને કારણે મહિલા ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમણે તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતું. આ મામલે કૃષ્ણનગર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.