સૂરજબારી બ્રિજ નજીક એક ટ્રક પલટી, બીજી બ્રેકડાઉન થતાં ટ્રાફીક જામ

ભચાઉ : તાલુકાના સામખિયાળીથી સૂરજબારી જતા માર્ગ પર બ્રિજ ખાતે એક ટ્રક પલટી મારી ગઈ હતી. તેમજ બીજી બાજુએ અન્ય એક ટ્રક બ્રેકડાઉન થઈ ગઈ હતી. એક વાહનના અકસ્માત અને બીજી ટ્રક બ્રેકડાઉન થતાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. સામખિયાળી પોલીસે તાબળતોબ બનાવ સ્થળે ધસી જઈને ટ્રાફિક નિયમન કર્યું હતું.  આ અંગેની વિગતો મુજબ સામખિયાળી – સૂરજબારી માર્ગ પર અવાર નવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. તેવામાં આજે સૂરજબારી બ્રિજ નજીક અકસ્માતે એક ટ્રક પલટી મારી ગઈ હતી. જેના કારણે એક તરફ માર્ગ અવરોધાયો હતો. યોગાનુયોગ બીજીતરફના માર્ગે અન્ય એક ટ્રક બ્રેકડાઉન થઈ જતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાવને પગલે સામખિયાળી પોલીસે ઘટના સ્થળે દોડી ગઈને ક્રેન સહિતના સાધનો સાથે વાહનોને રોડ પરથી સાઈટમાં કરીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.